અમદાવાદ,તા.૧૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. રાજયમાં પ્રજાનો આક્રોશ ભાળી ગયેલી ભાજપને ચૂંટણીમાં સામી હાર દેખાતા હવે કોઈપણ ભોગે સત્તા જતી બચાવવા ભાજપ અમદાવાદના બુટલેગરો અને ક્રાઈમ બ્રાન્ચના શરણે ગઈ છે. જેથી રાજયમાં નિર્ભયપણે નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીપંચ યોગ્ય પગલાં ભરે તેવી રજૂઆત કોંગ્રેસના ધાાસસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરી છે. કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે ગુજરાત રાજયમાં નિર્ભયપણે નિષ્પક્ષ રીતે ચૂંટણીઓ થાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી રાજય ચૂંટણી પંચની છે. મને મળેલી આધારભૂત માહિતી મુજબ રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના આદેશથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરના અસામાજિક તત્વો તથા બુટલેગરોને બોલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા માટે ધાકધમકી આપી રહ્યા છે. ભાજપ રાજયમાં જનઆક્રોશના પરિણામે ચૂંટણીઓ હારી રહી છે તેવા સમયે યેનકેન પ્રકારે ચૂંટણીઓ જીતવા ભાજપ અમદાવાદના બુટલેગરો અને ક્રાઈમ બ્રાન્ચના શરણે ગઈ છે. તેથી મારી માંગણી છે કે છેલ્લા ૧પ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચઅધિકારીઓ તથા તેમના વહીવટદારો દ્વારા કયા કયા બુટલેગરો સાથે ફોન દ્વારા શું વાત કરવામાં આવી તેની કોલ ડીટેઈલ મેળવવી જોઈએ. મંત્રી તથા તેમના અંગત વિશ્વાસુ અધિકારીઓ દ્વારા કયા કયા બુટલેગરો સાથે ફોન પર વાત કરી તેની પણ તપાસ કરવામાં આવે. ગૃહરાજય મંત્રીએ રૂબરૂ તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને બુટલેગરોને મળવા બોલાવ્યા તે બાબતે મંત્રીના નિવાસસ્થાનની સીસીટીવી કેમેરાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તથા ક્રાઈમ બ્રાન્ચમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવે જેનાથી ખબર પડે કે છેલ્લા ૧પ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા બુટલેગરોને કયા કારણોસર બોલાવ્યા હતા તેની સાચી વિગતો બહાર આવે તેમ છે. મારી માગણી છે કે ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચઅધિકારીઓ તથા તેમના વહીવટદારોને તાત્કાલિક અન્ય સ્થળે બદલીઓ કરી તેમના સ્થાને નિષ્પક્ષ અને નિષ્ઠાવાન અધિકારીઓને મુકવામાં આવે. રાજયમાં નિર્ભયપણે નિષ્પક્ષ ચૂંટણીઓ કરવા મારી ફરિયાદને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લેવામાં આવે એવી રજૂઆત મુખ્ય ચૂંટણી અધિકારી અને અમદાવાદના કલેકટરને ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવી છે.