(એજન્સી) નવી દિલ્હી, તા.પ
દિલ્હીના શાહીદાબાદ નજીકના પોતાના ઘરેથી બે વર્ષ અગાઉ અપહરણ કરાયેલા એક ચાર વર્ષીય બાળકનું પોતાના પાડોશીના ઘરના ધાબેથી લાકડાના બોક્સમાંથી હાડપીંજર મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
મુહમ્મદ ઝૈદ છેલ્લા ૧૮ માસથી ગુમ હતો. તે પહેલી ડિસેમ્બર ર૦૧૬ના રોજથી ગુમ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઝૈદના ઘરની નજીક કેટલાક બાળકોને એક ઘરના ધાબેથી ઝૈદના અવશેષો મળી આવ્યા હતા. કેટલાક બાળકો ગરીમા ગાર્ડનમાં એક શેરીમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમનો બોલ ગુમ થતાં તેઓ બિલ્ડીંગના ધાબે બોલ શોધવા ગયા હતા. બાળકોએ ધાબા પર લાકડાનું એક બોક્સ અને તેમાં હાડપીંજર હોવાનું જોયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ત્યારબાદ બાળકોએ સ્થાનિક લોકોને આ અંગે જાણ કરી હતી. ઝૈદના પિતા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને શાળાના ગણવેશના આધારે હાડપિંજર ઝૈદનું હોવાની ઓળખ કરી હતી. હાડપિંજરને પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું.
ર૦૧૬માં ઝૈદના ગુમ થયા બાદ ઝૈદના પિતાને પુત્રની મુક્તિ માટે રૂા. દસ લાખની ખંડણીનો ફોન આવ્યો હતો. અંતે અપહરણકર્તાઓ રૂા. આઠ લાખ લેવા તૈયાર થયા હતા. અપાહરણકર્તાઓ જ્યારે ખંડણીની રકમ લેવા આવ્યા ત્યારે પોલીસે બે અપહરકારોને ઝડપી પાડ્યા હતા. પણ તેમની પાસેથી બાળકનો કબજો મેળવી શક્યા ન હતા ત્યારબાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા.