(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા. ર૬
બોડેલી તાલુકાના ઓરવાળા, રાજનગર, બાંગાપુરા અને ધનપુર (નવી વસાહત) ગામોમાં નાણાપંચની ગ્રાન્ટ અને વિકાસલક્ષી ગ્રાન્ટ ન ફાળવાતા ચારેય ગામના સરપંચ તથા ગ્રામજનો અહીં આવતા મુખ્યમંત્રીને ગામની ખરી પરિસ્થિતિ વિષય જાણ કરવા બોડેલી સેવા સદન આગળ ભૂખ હડતાળ પર બેસવા જતાં સરપંચ સહિત ર૭ જણાની પોલીસે અટકાયત કરી સંખેડા પોલીસ મથકે લઈ ગયા હતા.
સરકાર મોટા-મોટા કાર્યક્રમો કરી વિકાસના દાવા કરી રહી છે. જ્યારે બોડેલી તાલુકાના ઓરવાળા, બાંગાપુરા, રાજનગર અને ધનપુર (ન.વ.)ને નાણાં પંચની ગ્રાન્ટ અને વિકાસલક્ષી ગ્રાન્ટ ન ફાળવાતા ગામોનો વિકાસ રૂંધાયો છે. ગામોના લોકો ઠેક ગાંધીનગર સુધી આ અંગે રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી ન હલતા આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી બોડેલી સુજલામ સુફલામ કાર્યક્રમમાં આવનાર મુખ્યમંત્રીને આ ગામોની સાચી પરિસ્થિતિથી માહિતગાર કરવા ચાર ગામના સરપંચો તથા ગ્રામપંચાયતના સભ્યો અને ગ્રામજનો ભેગા થઈ બોડેલી સેવાસદન આગળ ભૂખ હડતાળ કરી મુખ્યમંત્રીનું ધ્યાન દોરનાર હતા પરંતુ પોલીસે રસ્તામાં જ ચાર સરપંચ સહિત ર૭ જણાની અટક કરી સંખેડા પોલીસ મથકે લઈ ગયા હતા હાલની સરકારમાં લોકશાહી મૂલ્યોને પણ નેવે મૂકી જો કોઈ વિરોધ કરે તો તેઓની અટક થાય છે. લોકો પાસેથી બોલવાનો અધિકાર પણ છીનવી લેવાયો છે ?