(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
રાષ્ટ્રીય બેંકોનું વિલિનીકરણ કરવા સહિત વિવિધ સરકારી સંગઠનોનું ખાનગીકરણ કરવા સરકારના પ્રયત્નોના ભાગરૂપે કુલ ૫૨ જેટલા સંગઠનો દ્વારા હડતાળનું દેશવ્યાપી આહવાન કર્યું છે. જેને પગલે બુધવારે બેંકો સહિત એલઆઇસી, પોસ્ટ, ઇન્કમટેક્સના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. હડતાળને લીધે સુરતની ૧૦ રાષ્ટ્રીયકૃત બેંકોની ૩૫૦ શાખાઓમાં કામકાજ પર અસર પહોંચી છે. બેંક કર્મચારીઓ પગાર વધારો , પેન્શન યોજના અને એનપીએની વસુલાતની માંગ સાથે હડતાળ કરી રહ્યા છે.સુરત મક્કાઈ પુલ નાનપુરા ખાતે ભેગાં થયેલાં કામદારો અને બેંક કર્મચારીઓએ સરકારની નીતિ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. રાષ્ટ્રવ્યાપી હડતાલ અનુસંધાને રાષ્ટ્રીયકૃત બેંકો અને વીમા કંપનીઓ બંધમાં સામેલ થઈ હતી.
સુરતની સરકારી , ખાનગી અને સહકારી સેક્ટરની કુલ ૪૫ જેટલી બેંકોની ૭૫૦ બ્રાંચ થકી એક દિવસમાં કુલ ૮૦૦ થી ૯૦૦ કરોડનું ચેક અને કેસનું ટ્રાન્ઝેકશન થાય છે. હડતાળના કારણે નેશનલાઈઝ્‌ડ બેંકોમાં થતું એક દિવસીય ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયું છે. બેંકિંગ અને વીમા સેક્ટરમાં બિનજરૂરી વિલીનીકરણ કરવામાં આવી રહ્યું હોવાનું સંગઠનોનું મત છે. ટ્રેડ યુનિયન સાથે સંકળાયેલા મનસુખ ખોરાસીયાએ જણાવ્યું કે, સવારે ૧૧ કલાકે સ્વામી વિવેકાનંદની પ્રતિમા નાનપુરા ખાતે દોઢસોથી વધુ કર્મચારીઓ અને કામદારો ભેગાં થયાં છે અને સરકારની નીતિ વિરોધમાં શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવામાં આવી રહ્યાં છે. રાષ્ટદ્ર વ્યાપી હડતાળના પગલે નાનપુરા મક્કાઇપુલ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કર્મચારીઓએ કેન્દ્ર સરકાર તેરી ભાગલાવાદી , બંધારણ અને લોકશાહી વિરોધી નિતી નહીં ચલેગી નહીં ચલેગી , હમ સબ એક હૈ ના સુત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનને પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.