(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.ર૦
અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગો એનજીટી આદેશનું ખોટું અર્થઘટન કરાયું હોવાની રાવ કરી રહ્યા છે. જીપીસીબી દ્વારા વસુલાતા દંડ સામે વિરોધ વ્યક્ત કરી હડતાલ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ ખાતે મળેલી બેઠક દરમિયાન ઉદ્યોગકારોએ બંધ પાળી ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ખાસ કરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશનું ખોટુ અર્થઘટન કરી અંકલેશ્વર અને પાનોલી સહિત રાજયના ઉદ્યોગોને માતબર દંડ ફટકાર્યો છે. તેવી રાવ સ્થાનિક ઉધોગકારો દ્વારા કરવામાં આવી હતી. જીપીસીબીની બેધારી નિતિના કારણે ઉદ્યોગિક એકમો કફોડી હાલતમાંથી પસાર થઇ રહ્યા છે. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ૨૦૦૭થી નવા પ્લાન્ટની સ્થાપના કે, હાલના પ્લાન્ટના વિસ્તૃતિકરણ માટે પરવાનગી આપવામાં આવતી ન હતી. ક્રિટીકલ ઝોનમાંથી બહાર નીકળ્યાં બાદ ર૦૧૬માં ફરી ક્રિટીકલ ઝોનમાં મૂકી દેતા સ્થાનિક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પર્યાવરણની જાળવણી માટે જવાબદાર ઉદ્યોગો પાસેથી દંડની વસુલાત કરી તેનાથી પર્યાવરણની સુધારણા કરવા માટે આદેશ કર્યો છે પણ જીપીસીબી દ્વારા આ આદેશનું ખોટુ અર્થઘટન કરી ઉદ્યોગોને માતબર રકમનો દંડ ફટકારવામાં આવી રહયો છે. જેના કારણે નાના ઉદ્યોગોની કમર તુટી રહી છે. બંને જીઆઇડીસીના ઉદ્યોગોએ હવે જીપીસીબીના વલણ સામે નારાજગી દર્શાવી હતી.
હવે ઉદ્યોગકારો મુખ્યમંત્રીને મળી કફોડી સ્થિતિ અંગે રજૂઆત કરવાના છે. સરકાર ઉદ્યોગોને મદદ નહિ કરે અને જીપીસીબી તેનું વલણ નહિ સુધારે તો બંને જીઆઇડીસીના ૩૦૦૦થી વધારે ઉદ્યોગોને તાળા વાગી જશે અને હજારો કામદારો બેકારીના ખપ્પરમાં હોમાઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતું અંકલેશ્વર અને પાનોલી કેમિકલ અને ફાર્મા ક્ષેત્રમાં વિશ્વસ્તરીય નામના ધરાવે છે પણ જીપીસીબીની અણધડ નિતિના કારણે હવે બંને જીઆઇડીસીમાંથી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં સ્થપાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાક મોટા ઉદ્યોગો તેલંગાણા, વિશાખાપટ્ટનમ, મહારાષ્ટ્ર અને યુપીની વાટ પકડી છે. સરકાર મદદ નહીં કરે અને જીપીસીબી હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઉદ્યોગોનું બંધ થવું નિશ્ચિત છે એમ મહેશ પટેલ, પ્રમુખ, એઆઇએ અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી રમેશ ગાભાણીએ જણાવ્યું છે.
અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો હજારો લોકોને રોજગારી પુરી પાડે છે. જીપીસીબીની મનસ્વી કાર્યવાહી બાદ હવે જાતે ઉદ્યોગકારોને ફાંસી ખાઇ આપઘાત કરવો પડે તેવા સંજોગો ઊભા થયા છે. ઉદ્યોગોએ નવા પ્લાન્ટોમાં રોકાણ કરી દીધું છે અને હવે તેમને સીસી મળતું ન હોવાથી પ્લાન્ટ શરૂ થઇ શકતા નથી. ત્યારે ઉદ્યોગકારો હવે ગળા ફાંસો ખાઇ આપઘાત કરે તો નવાઇ નહીં એમ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ. પટેલે જણાવ્યું હતું.