અમદાવાદ, તા.૨૨
સળંગ નોકરી સહિતની માગણીઓને લઇ રાજ્યના સવા બે લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો આજે સામુહિક રજા પર ઉતરી ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા, એક તરફ પોલીસ ગાંધીનગરમાં નિર્દોષ શિક્ષકો પર લાઠીઓ વીંઝી રહી હતી અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે બીજી બાજુ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો સાથે રાજ્યના શિક્ષણમંત્રી સહિતના સરકારના પ્રતિનિધિઓ સાથે મહત્ત્વની બેઠક યોજાઇ હતી, જેમાં સરકાર તરફથી આ સમગ્ર મામલે ત્રણ સભ્યોની કમિટી બનાવી શિક્ષકોના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની હૈયાધારણ અપાતાં શિક્ષક સંઘના હોદ્દેદારોએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી. જો કે, બીજીબાજુ પોલીસ અત્યાચાર અને લાઠીચાર્જનો ભોગ બનેલા શિક્ષકોએ સંઘના હોદ્દેદારોની હડતાળ સમેટવાની અપીલને ફગાવી હતી અને જણાવ્યું હતું કે, તેઓ આંદોલન ચાલુ રાખશે. પોલીસ અત્યાચારનો ભોગ બનેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે, અમારા સંઘના પ્રમુખ અને હોદ્દેદારો ફૂટી ગયા છે અને અમારી જાણ બહાર કે અમને વિશ્વાસમાં લીધા વિના સરકાર સાથે કેવી રીતે સમાધાન કરી શકાય. અમને આ સમાધાન મંજૂર નથી. અમે રાજયના દૂર-દૂરના અને આંતરિયાળ વિસ્તારમાંથી એલાનના કારણે અહીં ગાંધીનગરમાં આવ્યા હતા અને હવે છેલ્લી ઘડીયે અમારી સાથે વિશ્વાસઘાત થયાની લાગણીથી અમે આઘાતા પામ્યા છીએ. પોતાની માગણીઓને લઇ રાજ્યભરમાંથી આવેલા હજારો શિક્ષકોએ આજે ગાંધીનગરને જાણે બાનમાં લીધું હતું. ખાસ કરીને વિધાનસભા ગેટ પર શિક્ષકોએ હાય રે રૂપાણી હાય-હાયના નારા લગાવ્યા હતા. બપોર સુધી ચાલેલા આંદોલનનો બપોરે અંત આવ્યો હતો.

વિધાનસભાનો ઘેરાવ કરવા ગયેલા શિક્ષકો પર લાઠીચાર્જ

અમદાવાદ, તા.રર
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી. એક તબક્કે પોલીસે દેખાવો કરી રહેલા શિક્ષકો પર બેરહમીથી લાઠીઓ વીંઝતા પરિસ્થિતિ વણસી હતી અને ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસના અમાનવીય લાઠીચાર્જ અને અત્યાચારને લઇ શિક્ષકઆલમમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી અને ગાંધીનગરમાં એક તબક્કે અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા.

સરકાર દ્વારા ત્રણ મંત્રીઓની કમિટીની અંતે રચના કરાઈ

અમદાવાદ, તા.રર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં એસ.ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા અને નિરાકરણ માટે ત્રણ મંત્રીઓની કમિટીની રચના કરી છે. આગામી દિવસોમાં આ કમીટી જે તે હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સાથે બેઠક અને વાટાઘાટો યોજી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરેલી કમીટીમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરાયો છે. આ કમિટિ આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે અને પ્રજાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે.