(એજન્સી) લાહોર, તા.૧૭
પાકિસ્તાને વૈશ્વિક ત્રાસવાદી અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની ધરપકડ કરી છે. પાકિસ્તાનને એફએટીએફની ગ્રે યાદીમાં બીજી વખત મૂકાયું છે. આ પહેલાં એને ત્રણ વર્ષ માટે ર૦૧રમાં ગ્રે યાદીમાં મૂકાયો હતો. એફએટીએફએ પાકિસ્તાનને ગયા વર્ષે જૂન મહિનામાં ગ્રે યાદીમાં મૂકયો હતો. કારણ કે, પાકિસ્તાન ત્રાસવાદીઓને નાણાં આપવાથી રોકી શકયો ન હતો.
એફએટીએફએ પાકિસ્તાનને જણાવ્યું હતું કે, એ મે, ર૦૧૯ સુધી ત્રાસવાદને અપાતા ભંડોળ ઉપર નિગરાની રાખે પણ આ આખરી તારીખ ચૂકી જતા એફએટીએફએ એમને કડક ચેતવણી આપી તારીખ ઓકટોબર ર૦૧૯ સુધી વધારી આપી. એફએટીએફએ ચેતવણી આપી કે, જો આ તારીખ સુધી પાકિસ્તાન ત્રાસવાદીઓને ભંડોળ આપતો નહીં અટકાવે તો એમને બ્લેકલિસ્ટમાં મૂકી દેવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે એફએટીએફનું ઘણું મહત્ત્વ છે. આ સંગઠનમાં ૩૯ દેશો છે અને બે સ્થાનિક સંસ્થાઓ છે, જે ત્રાસવાદી પ્રવૃત્તિઓ ઉપર અને એમને અપાતા ભંડોળ ઉપર નિગરાની રાખે છે. જો કોઈ દેશ ત્રાસવાદીઓને અપાતો ભંડોળ અપાતો રોકવા નિષ્ફળ રહે અથવા ગેરકાયદે નાણાં આપી મદદ કરે તો આ સંસ્થા પહેલાં આ દેશને ગ્રે યાદીમાં મૂકે છે અને ચેતવણી આપી સમય આપે છે કે, એ આ બાબત ધ્યાન આપે અન્યથા એમને બ્લેકલિસ્ટમાં મૂકી દેવામાં આવશે. જો કોઈ દેશને બ્લેકલિસ્ટ કરાય અથવા ગ્રે યાદીમાં મૂકાય તો એ દેશને ખૂબ આર્થિક નુકસાન થાય છે અને સમગ્ર વિશ્વ સાથે નાણાકીય વ્યવહારો અટકી જાય છે.
હાલના વૈશ્વિકરણના સમયમાં બધા દેશોના નાણાકીય વ્યવહારો એક-બીજા સાથે સંકળાયેલા છે. બ્લેકલિસ્ટમાં મૂકાયેલ દેશ માટે વિશ્વમાં નાણાકીય વ્યવહારો કરવા મુશ્કેલ થઈ જાય છે. બીજું કોઈ પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા એ દેશને લોન આપતી નથી અને જે એફએટીએફના સભ્ય દેશો છે. એ પણ આર્થિક વ્યવહારો બંધ કરી દે છે. એફએટીએફમાં દુનિયાના મોટાભાગના વિકસીત દેશો છે. જેમાં અમેરિકા, જાપાન, ફ્રાન્સ, યુકે, જર્મની વગેરે અને ભારત, ચીન, ભારત, રશિયા, દક્ષિણ આફ્રિકા જેવા વિકાસશીલ દેશો પણ છે. દુનિયાના મોટાભાગના દેશો સાથે જો નાણાકીય વ્યવહારો બંધ થઈ જાય, તો એ દેશને ખૂબ જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પાકિસ્તાનને ઓકટોબર ર૦૧૯થી છેલ્લી તારીખ સાચવવી હતી. એ માટે એમણે દુનિયાને બતાવવા માટે હાફિઝ સઈદની ધરપકડ કરી છે, જેથી એ એફએટીએફની બ્લેકલિસ્ટમાં નહીં મૂકાય અને ગ્રે લિસ્ટમાંથી નીકળી શકે. ભારતને તો લાભ થશે, ત્યારે થશે પણ હાલ તો પાકિસ્તાનને હાફિઝની ધરપકડ કરવી અનિવાર્ય હતી.