(એજન્સી) બગદાદ,તા.ર૪
ઈરાકના ઉત્તરીય શહેર શિરકતમાં આવેલા ભારે પૂરને પગલે ૭ લોકોનાં મોત નિપજ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા હોવાનું મેયરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે હજુ ત્રણ લોકો લાપતા છે. શિરકતના મેયર અલી દોદાહે જણાવ્યું કે પૂરને કારણે હજારો ઘરો ડૂબી ગયા છે અને ૩૦૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે. અહેવાલોમાં જણાવ્યું છે કે, દક્ષિણી રાજ્યમાં પૂરને કારણે ઘરો તૂટી પડ્યા હતા. જેમાં બે ઘરમાલિકોનાં મોત થયા હતા. આ સપ્તાહની શરૂઆતમાં અણધાર્યા અને અસાધારણ વરસાદ પછી પૂરની સ્થિતિએ ઈરાકની નવી સરકાર પર રાજ્યમાં વર્ષ ર૦૧૪-૧૭ના દાઈશ બળવાખોર વિરૂદ્ધની લડત, ભ્રષ્ટાચાર સામે વર્ષોથી આંખ આડા કાન કરવાને વખોડી કાઢવા અને ચોક્કસ ઈન્ફ્રાસ્ટ્રકચર અને સેવાઓ પૂરી પાડવા દબાણ વધ્યું છે. સ્થાનિક અહેવાલોમાં સલાહુદ્દીન રાજ્યના શિરકતમાં નાની નૌકાઓ દ્વારા તેમના અર્ધ ડૂબેલા ઘરોમાંથી બહાર નીકળતા દૃશ્યો જોવા મળ્યા હતા. વડાપ્રધાન અબ્દેલ મહેંદીએ શુક્રવારે સુરક્ષા દળો અને સ્થાનિક અધિકારીઓને પરિસ્થિતિને પહોંચી વળવામાં મદદ કરવા કટોકટી સેલની ઘોષણા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, શક્ય તેટલી ઝડપી બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે.