પાલનપુર-ડીસા, તા.૧
ડીસા-મંડર હાઈવે પર આવેલ કુચાવાડા પાસે સ્વીફ્ટ કાર, બે ટ્રેલર વચ્ચે થયેલ ગોઝારા અકસ્માતમાં પિતા-પુત્રી સહિત પાંચના મોત થયા હતા. જેમાં આજરોજ પિતા-પુત્રીનો એક સાથે જનાજો નીકળતા પરિવારજનોના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની કરૂણતા તો એ છે કે અકસ્માતમાં જે યુવતીના લગ્ન આજે થવાના હતા તેનું અને તેના પિતાનું મોત નિપજતા લગ્નપ્રસંગમાં માતમ છવાઈ ગયો હતો.
એક પિતા માટે સૌથી વધુ લાડકી તેની દીકરી હોય છે અને પિતા માટે તેણીનો લગ્નપ્રસંગ તેના માટે આજીવન સંભારણા સમાન હોય છે. બનાવની વિગત અનુસાર અમીરગઢમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મુરાદખાન પઠાણ (ઉ.વ.પ૮) ના ત્યાં તેમની પુત્રી આયશાબાનુ તથા પુત્રનો લગ્નપ્રસંગ હતો. રાજસ્થાનના મંડાર ખાતેથી દીકરાના લગ્ન પતાવી પરત અમીરગઢ સ્વીફ્ટ કારમાં આવી રહ્યા હતા ત્યારે ગતરોજ વહેલી સવારે પાંચાવાડા નજીક સ્ટેટ હાઈવે પર સ્વીફ્ટ ગાડીને પાછળથી આવી રહેલ ટ્રેલરે ટક્કર મારી હતી જેથી ડીસા તરફથી આવી રહેલા ટ્રેલર સાથે સ્વીફ્ટ કાર અથડાઈ હતી. જેથી તેમાં બેસેલ પિતા અને પુત્રીનું કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા થતા પાંચાવાડા લઈ જવાયા હતા. ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા તેના ટાયર સળગી ઉઠ્યા હતા. જેના લીધે ટ્રેલરમાં આગ લાગી હતી. જેમાં ડ્રાઈવર ક્લિનર બળીને ભડથુ થઈ ગયા હતા. આ અકસ્માત જેના લગ્ન આજરોજ યોજાયા હતા તેનું જ મોત નિપજતા લગ્નની શરણાઈઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. આજરોજ બપોરે દીકરીના લગ્ન હોવાથી ઘરે પહોંચવા માટે માતા-પિતા તથા પુત્રી કારમાં નીકળ્યા હતા. આમ કોડભરી કન્યાના લગ્ન થાય તે પહેલા જ મોત થતા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આજરોજ પિતા પુત્રીના એક સાથે જનાઝા નીકળતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. અનેકની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી ગઈ હતી. જેથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. જનાઝામાં અનેક લોકો જોડાયા હતા. આ દુઃખદ બનાવમાં અમીરગઢના વેપારીઓ સહિત ગ્રામજનોએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.
નરાધમોએ માનવતા નેવે મૂકી
આ ગોઝારા અકસ્માતમાં પરિવારજનોએ દીકરીના લગ્ન પ્રસંગે ખરીદેલ લાખોનું સોનું તથા રોકડ રકમ જે ગાડીમાં મૂકી હતી તેની આ માનવતાના શૈતાનોએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અંદાજે ૪ર તોલા સોનું અને સાત લાખની રોકડ હોવાનું જાણવા મળેલ છે.