(એજન્સી) તા.૩૦
૧૪ જુલાઇ શુક્રવારના રોજ પવિત્ર અલ-અક્સા મસ્જિદના પરિસરમાં બનેલી ગોળીબારની ઘટના બાદ આ શુક્રવારે જુમ્માની નમાઝ દરમિયાન હજારો પેલેસ્ટીની મુસ્લિમોએ ઉત્સાહભેર નમાઝ અદા કરી હતી. તમને જણાવી દઇએ કે ૧૪ જુલાઇના રોજ બનેલી ઘટનામાં બે ઇઝરાયેલી પોલીસ અધિકારીઓના મોત થયા બાદથી ઇઝરાયેલે પવિત્ર અલ-અક્સા મસ્જિદ પર કબજો કરી લીધો હતો અને ત્યાં મેટલ ડિટેક્ટર સહિત સીસીટીવી કેમેરા જેવા આકરા માપદંડો લાગુ કરી દીધા હતા. જેની સામે પેલેસ્ટીની નાગરિકો સહિત દુનિયાભરના મુસ્લિમ દેશોએ આકરો વિરોધ દર્શાવ્યો હતો. તેના બાદ ઇઝરાયેલ ઘૂંટણીયે થતાં આકરા પ્રતિબંધો જેવા કે મેટલ ડિટેક્ટર અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પાછી ખેંચી હતી. ત્યારબાદ દરેક પેલેસ્ટીની નાગરિકોએ ભારે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. હાલમાં જુમ્માની નમાઝ વખતે હજારોની સંખ્યામાં પવિત્ર અલ-અક્સા મસ્જિદમાં હાજરી આપી નમાઝ અદા કરી હતી. તમને જણાવી દઈએ કે ઇઝરાયેલે પ૦થી નાની ઉંમરના દરેક પેલેસ્ટીનીના અલ-અક્સા મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં આ પ્રતિબંધો લાગુ થવા છતાં કોઇ ઘટના બની ન હતી અને દરેકે શાંતિપૂર્વક નમાઝ અદા કરી હતી. બીજી બાજુ એક પેલેસ્ટીની નાગરિક પર ઇઝરાયેલી પોલીસ અધિકારી પર ચાકુ વડે હુમલો કરવાનો આરોપ મૂકી તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના વેસ્ટબેન્કમાં બની હતી.
બીજી બાજુ ગાઝામાં પણ સર્જાયેલી અથડામણમાં એક કિશોરનું મોત થયું હતું જ્યારે સાત અન્ય પેલેસ્ટીની નાગરિકો ઘવાયા હતા. જેરૂસલેમમાં ઇસ્લામિક ચીફ જસ્ટિસ શેખ વાસિફ અલ બાકેરીએ જણાવ્યું કે જુમ્માની નમાઝ બાદ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અમે ખુશ છીએ કે પવિત્ર અલ-અક્સા મસ્જિદમાં ફરી નમાઝ શરૂ થઇ ગઇ છે પરંતુ ઈઝરાયેલ દ્વારા જે વયમર્યાદાના માપદંડો લાગુ કરવામાં આવ્યાં છે તેના કારણે અમને દુઃખ છે. પેલેસ્ટીન એકેડમિક સોસાયટીના સંસ્થાપક અને ડિરેક્ટર માહદી અબ્દુલ હાદી કહે છે કે અમે ઈઝરાયેલના માપદંડોને ટીકા કરીએ છીએ, તે જોર્ડન, ઈઝરાયેલ અને યુએસ વચ્ચે ર૦૧૪માં થયેલા કરારનું ભંગ કરે છે. અબ્દુલ હાદીએ કહ્યું કે જ્યારથી ઈઝરાયેલી સરકાર આવી છે ત્યારથી કોઇ કાયદા કે કરારને માન મળ્યું નથી. બીજી બાજુ મસ્જિદની બહાર દસ હજાર જેટલા પેલેસ્ટીની યુવકો કે જેમની ઉંમર પ૦થી ઓછી છે તે જોવા મળ્યા હતા અને તેમણે મસ્જિદને ટેકો આપ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે અમે જોયું કે આ યુવકો શ્રદ્ધાળુઓને પાણી સહિત અન્ય પાયાની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા હતા. તેમાંથી કેટલાકે કહ્યું કે હાલ ઈઝરાયેલ ખિજાયું છે. અમારી માગણીઓ પૂર્ણ થઇ છે એટલે અમે હવે તેને ઉશ્કેરવા માગતા નથી.