(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૯
ગુજરાતનું નવું નજરાણું એટલે કે, વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર થઇ ગયું છે, ૩૦મીએ વડાપ્રધાનના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવશે, પરંતુ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોડાણ પાછળ બહુમુલી વૃક્ષોનું નિકંદન કરવામાં આવતાં પ્રકૃતિપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, કેવડિયા ખાતે રસ્તો બનાવવા માટે હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડભોઇ, રાજપારડી અને રાજપીપળાથી લઇને કેવડિયા કોલોનીને જોડવા માટે રસ્તો બનાવવા માટે ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, કેવડિયા સાથે આસપાસના વિસ્તાને જોડવા માટે ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૯૫ કિ.મી.ના રસ્તાનું કામ કરવામાં આવ્યું છે. જેમાં ડભોઇથી દેવલિયા સુધીનો ૩૬ કિ.મી.નો રસ્તો ૨૦૦ કરોડના ખર્ચે રાજપારડીથી રાજપીપળા સુધીનો ૨૫ કિ.મી.નો રસ્તો ૧૫૦ કરોડના ખર્ચે તેમજ દેવલિયાથી રાજપીપળા સુધી ૨૪ કિ.મી.નો રસ્તો ૧૨૦ કરોડના ખર્ચે અને કેવડિયા જંક્શનથી કેવડિયા કોલોની સુધીના ૧૦ કિ.મી.ના રસ્તા માટે રૂા.૩૫ કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ રસ્તાઓ પહોળા કરવા માટે રોડની બંને તરફના હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. અંકલેશ્વરથી કેવડિયા અને વડોદરાથી કેવડીયા સુધી માર્ગ પર આવતા હજારો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. અને કાપેલા આ વૃક્ષો ડભોઇથી ૩ કિ.મી.ના અંતરે આવેલા ધરમપુરી ગામ પાસે મેદાનમાં મૂકવામાં આવ્યા છે.