વલસાડ, તા.૩૦
વલસાડ એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક સભ્ય તેમજ સેક્રેટરી તરીકે સેવા આપનાર હાજી અસદ સાલેહ અલ બકીલીનું ૮૬ વર્ષની જૈફ વયે વલસાડમાં અવસાન થયું છે. લેખક, ચર્ચાપત્રી તેમજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લે સુધી સક્રિય રહીને યોગદાન આપનાર હાજી અસદ બકીલીનું અવસાન થયું છે. તેમની દફનવિધિ તેમના વતન ધરમપુરમાં મંગળવારે રાત્રે કરવામાં આવી હતી. ધરમપુરમાં મર્હૂમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી. મૂળ ધરમપુરના હાજી અસદ અલ-બકીલી પ્રારંભના સમયમાં શિક્ષક તરીકે નોકરી કરી હતી. ત્યારબાદ બરોડા રેયોનમાં ગાર્ડન સુપરવાઇઝર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ વલસાડમાં તેઓ સ્થાયી થયા હતા. અહીં નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી આ સંસ્થાના સેક્રટરી તરીકે તેમણે સેવા આપી હતી. આ સંસ્થા દ્વારા નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરી હતી. તેમણે અરબ સમાજનું ગુજરાતી માસિક અલ-અરબને ૧૨ વર્ષ સુધી તંત્રી તેમજ પ્રકાશકની જવાબદારી નીભાવી હતી. તેમના લેખ તેમના ચર્ચા પત્રોના પુસ્તકો તેમજ અરબ કબીલાઓ પરનું માહિતીસભર પુસ્તક તથા અનુવાદનું પુસ્તક કોણ છે ? તારો નબી પણ પ્રકાશિત થયું હતું. ગુજરાતી અરબોને એક પ્લેટફોર્મ પર લાવવામાં પણ અસદભાઇએ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમનો પુત્ર યાસિર બકીલી ફોટોગ્રાફી ક્ષેત્રે આગળ વધી રહયો છે.