(સંવાદદાતા દ્વારા) ગાંધીધામ, તા.૧૮
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં એનઆરસી તથા સીએએ લોકસભા-રાજ્યસભામાં પાસ કરાતા તેના સમગ્ર ભારતભરમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડ્યા છે. ઠેર-ઠેર રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આ કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. આ કાળા કાયદાનો હિંદુ-મુસ્લિમ સહિત તથા ભારતીય નાગરિકો વિરોધ કરી રહ્યા છે. આજરોજ કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા એનઆરસી-સીએએના વિરોધમાં એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હિંદુ-મુસ્લિમો સહિતના જોડાયા હતા. આ રેલીને સંબોધન કરતા હાજી જુમા રાયમાએ જણાવેલ કે, મુસ્લિમ સમાજની સાથે આવેલા આ તમામ લોકો આ વાતની સાબિતી આપે છે કે, સીએબી એ ફક્ત મુસ્લિમ સમાજ માટે નહીં સમગ્ર દેશ માટે હાનિકારક છે અને બંધારણની વિરૂદ્ધ છે. સમગ્ર ભારતમાં ફક્ત મુસ્લિમ સમાજ નહીં પણ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ વર્ગના લોકો આ બિલનો વિરોધ કરે છે અને ભાજપની સહયોગી પાર્ટી આસામ ગણ પરિષદ સહિત ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ આનો વિરોધ કરી રહી છે. તેમણે વધુમાં જણાવેલ હતું કે, આજે ખાસ એનઆરસી અને સીએબી હકીકતમાં હિંદુ સમાજને એમ લાગે છે કે, મુસ્લિમ સમાજ હિંદુઓને ભારતના નાગરિક બનવાનો વિરોધ કરી રહ્યા છે અને અમુક પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા દ્વારા આવા ખોટા મેસેજ ફેલાવી સમાજમાં અશાંતિનું વાતાવરણ કરી રહ્યા છે, ત્યારે હું કહેવા માંગું છું કે, અમે ભારત દેશની અંદર હિંદુઓને ભારતની નાગરિકતા આપવાનો વિરોધ ગઈ કાલે પણ નહોતો કર્યો, આજે પણ નથી કરતા આવનારા સમયમાં પણ કયારે નહીં કરીએ પણ અમારો મુદ્દો એ છે કે, વર્ષ ૧૯૪૭ પછી ભારતમાં વસતા તમામ મુસ્લિમ ભાઈઓને કોઈ તકલીફ ન પડવી જોઈએ અને એ લોકોને એનઆરસીના કાયદા તળે અપૂરતા કાગળોને કારણે એ લોકોને ભારતના નાગરિક ગણવામાં ન આવે એવા કાયદાનો અમે વિરોધ કરી રહ્યા છીએ. કારણ કે, આ કાયદા અંદર ૧૯૪૭ પછીના જે કાગળો માંગવામાં આવ્યા છે. તેમાં મોટાભાગના લોકો પાસે પોતાના બાપ-દાદાઓના પુરાવાઓ નહીં હોય અને આ વાત ઉપર આ લોકોને ભારતના નાગરિક ન માનવા એ ક્યાંનો ન્યાય છે. આવા કાળા કાયદાનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે મુસ્લિમો આ દેશમાં એક વખત નહીં પણ બે વખત ભારતીય છીએ. કારણ કે, અમને બાય બર્થ (જન્મ) ભારતીય છીએ અને બાય ચોઈસ (પસંદગી) પણ ભારતીય છીએ. વર્ષ ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાન જવાનું કીધું, ત્યારે અમે ભારતથી મોહબ્બત અને પ્યાર કરતા હતા, તેથી અમે આ ભારત દેશમાં જ રહેવાનું પસંદ કર્યું. આજે પણ આ દેશની આન, બાન અને શાન માટે અમો અમારા જાન અને માલનું પણ બલિદાન આપવા અચકાશું નહીં. હાજી જુમા રાયમાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોમવાદી અને ફાસિસ્ટ તાકતોને જો મુસ્લિમોનો ભારત પ્રત્યે દેશપ્રેમ અને મુસ્લિમોની ભારત પ્રત્યેની લાગણી જોવી હોય તો હું ચેલેન્જ આપું છું કે, સમગ્ર હિંદુસ્તાનમાં દરેક રાજ્યમાં એક-એક મોટી ગેસ ચેમ્બરો બનાવવામાં આવે જેવી ગેસ ચેમ્બર હિટલરે બનાવી હતી અને માનવ સંહાર કર્યો હતો. આજે પણ આ ફાસિસ્ટ અને કોમવાદી તત્ત્વો આવી ગેસ ચેમ્બરો બનાવી અને સમગ્ર હિંદુસ્તાનના મુસ્લિમોને એમ કહે કે, તમારે હિંદુસ્તાનમાં રહેવું હોય તો આ ગેસ ચેમ્બરોમાં મરવું પડશે. નહીંતર જીવતા રહેવું હોય તો આ દેશ છોડીને ચાલ્યા જાઓ. આજે હું કસમ ખાઈ અને દાવાથી કહું છું કે, ભારતના મુસ્લિમો અહીં ગેસ ચેમ્બરમાં મરવાનું અને ભારતની ધરતી ઉપર દફન થવાનું પસંદ કરશે, પણ આ દેશ છોડવાનું પસંદ નહીં કરે. આ વાતની આ ફાસિસ્ટ તાકતોએ નોંધ લેવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા જેમ હિંદુ-મુસ્લિમો એક બની લડ્યા અને દેશને આઝાદી અપાવી, આજે પણ સમય આવ્યો છે કે, આ અંગ્રેજોના એજેન્ટોએ આ દેશને આજે આધુનિક ગુલામીમાં જકડી રાખ્યો છે, ત્યારે આજે આ આધુનિક ગુલામીમાંથી મુક્ત કરવા આ દેશના તમામ હિંદુ અને મુસ્લિમો એક થઈ લડત આપી રહ્યા છે અને આજ અહીં કચ્છમાં પણ તમામ લોકો સાથે રહી લડત આપી રહ્યા છે. આજ હું આ રેલીથી સરકારને કહેવા માંગું છું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનના હિંદુઓને નહીં પણ સમગ્ર વિશ્વના હિંદુઓને આ દેશના નાગરિક બનાવો અમને કોઈ તકલીફ નથી. અમે એમને આવકાર આપીએ છીએ અને દુનિયાના તમામ દેશોના મુસ્લિમોને નાગરિક ન આપો અમને કાંઈ વાંધો નથી, પણ ૧૯૪૭થી આ દેશમાં રહેતા મુસ્લિમ સમાજને તમે વિદેશી ઘોષિત ન કરે અને એને યાતનાઓ ન આપો આજ અમારી માગણી છે. આજે પણ વિશ્વના ઘણા બધા મુસ્લિમ દેશોના જેમ કે, (૧) સઉદી અરબમાં ૬૩ લાખ, (ર) ઓમાનમાં ૧૬ લાખ, (૩) કતરમાં ૧૩ લાખ, (૪) કુવેતમાં ૧૧ લાખ, (પ) બહેરિનમાં ૯ લાખ, (૬) દુબઈમાં ૯ લાખ આવા અનેક મુસ્લિમ રાષ્ટ્રોમાં હિંદુ ભાઈઓ વસી રહ્યા છે, ત્યારે એ લોકો સાથે ત્યાંની સરકારો દ્વારા જરા પણ દુર્ભાગ્યપૂર્ણ વ્યવહાર કરવામાં આવતો નથી, જે લોકો હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરતની દીવાલ ઊભી કરી પોતાની ખિચડી પકાવી રહ્યા છે. એ લોકોને આ રેલી દ્વારા સંદેશો આપવા માંગું છું કે, મારો નારો છે કે, “હિંદુ જીગર હૈ, તો મુસલમાન જાન હૈ, શીખ ઔર ઈસાઈ દેશ કી પહચાન હૈ, ઈન સબ કો મિલાકર બનતા હૈ, વહી હમારા હિંદુસ્તાન હૈ.” છેલ્લે હાજી જુમા રાયમાએ “ઈસી ખાક સે પૈદા હુએ હૈ ઔર ઈસી ખાક મે ખાક અપની મિલાયેંગે ન કીસી કે બુલાયે આયે હૈ ઔર ન કીસી કે નિકાલે જાયેગે હિંદી હૈ હમ વતન હૈ હિંદોસ્તા હમારા સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા.”