(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
ભારતના તમામ રાજ્યોના હજ કમિટીના ચેરમેનોની મુંબઈ હજ હાઉસ ખાતે મળેલી મીટિંગમાં ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેન પ્રો.મોહંમદઅલી કાદરીએ હજ ર૦૧૭માં હાજીઓને પડેલી અગવડતા અંગે અને ભવિષ્યમાં આવી ફરિયાદો ન આવે તેની તકેદારી રાખવા ઉગ્ર રજૂઆત કરી હતી. ખાસ કરીને નવી હજ પોલિસીમાં ખાનગી ટુરઓપરેટરોનો ક્વોટા વધારાયો છે તે ઘટાડી હજ કમિટીનો ક્વોટા વધારવા, ખાદીમ તરીકે જતા સરકારી કર્મચારીઓની વયમર્યાદા પ૦ વર્ષથી નીચે નક્કી કરવા અને જેમની સામે ફરિયાદ હોય તેવા ખાદિમોને ફરી ન મોકલવા સહિત અનેક મુદ્દા પર રજૂઆત કરી હતી. રાજ્યોના હજ કમિટીના ચેરમેનોની મીટિંગમાં પ્રો.કાદરીએ વધુમાં જણાવ્યું હતું કે જે હાજીઓ કુરબાની માટે હજ કમિટીમાં રકમ જમા કરાવે તેમને કુરબાની થઈ ગયા બાદ જીસ્જીથી જાણ કરવામાં આવે, તેવા હાજીઓ લેભાગુ તત્ત્વોનો શિકાર બને છે તે ફરિયાદો દૂર કરવા, કેટલાક લેભાગુ ટુર ઓપરેટરો કુરબાનીના નામે નાણાં લઈ કુરબાની કરતા હોતા નથી. આવા ટુર ઓપરેટરો સામે સરકારે પગલાં લઈ તેમના લાયસન્સ રદ કરવા જોઈએ અને કુરબાનીની રકમ તમામ માટે એકસરખી નક્કી કરવી જોઈએ. હાજીઓની ખિદમત માટે જતા સરકારી કર્મચારીઓની ઉંમર પ૦ વર્ષથી ઓછી રાખવી જોઈએ જેથી દોડાદોડી અને મહેનતનું કામ સારી રીતે કરી શકે ઉપરાંત જે ખાદીમો સઉદી ગયા બાદ હાજીઓની ખિદમત બરાબર ના કરે તેવી લેખિત ફરિયાદો જેમની સામે હોય તેવા ખાદીમોને ફરી ન મોકલવા અને તેમની સામે ખાતાકીય પગલાં લેવા જોઈએ. ખાસ કરીને ચાલુ વર્ષે હાજીઓની અસંખ્ય ફરિયાદો બિલ્ડીંગ બાબતે હતી. ટોઈલેટ, બાથરૂમ, લિફ્ટની વ્યવસ્થા ન હતી. એક રૂમમાં નિયત કરતા વધુ હાજીઓને રાખવામાં આવ્યા હતા. પતિ એક રૂમમાં તો પત્ની બીજા રૂમમાં હતી. જમવાની વ્યવસ્થા ન હતી જેવી ફરિયાદોનો વહેલીતકે નિકાલ લાવવો જોઈએ. અરફાતથી મુજદલફા જવા કેટલાક મોઅલ્લીમ તરફથી બસોની સગવડ અપાઈ ન હતી. હાજીઓ પાસેથી આંતરરાષ્ટ્રીય હવાઈ ભાડા કરતા લગભગ ડબલ ભાડું વસૂલવામાં આવે છે, એરપોર્ટ પર ઈન્ટરનેશનલ પ્રવાસી જેવી સગવડો અપાતી નથી તેવી પણ તેમણે રજૂઆત કરી હતી. ઉપરાંત નવી હજ પોલિસીમાં સરકાર અરજદારનો ડ્રો કરીને ક્વોટા મુજબ જેટલાનો નંબર લાગે તેમને હજમાં મોકલવા માંગે છે. આથી ત્રણ ચાર વર્ષથી નંબર લાગવાની રાહ જોતા અરજદારોને અન્યાય થશે આવા અરજદારો માટે હજ કમિટીએ સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ. ઉપરાંત ગુજરાતમાંથી દર વર્ષે આવતી હજ અરજીઓને ધ્યાનમાં રાખી હજનો ક્વોટા વધારી આપવા રજૂઆત કરી હતી.
હાજીઓને સઉદી અરબમાં પડતી તકલીફો અંગે સરકાર ઘટતું કરે

Recent Comments