(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
આગામી તા. ૧ ઓગસ્ટના રોજથી ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત હજયાત્રાએ જનારા હજયાત્રીઓની પ્રથમ ફલાઈટ રવાના થનાર છે ત્યારે રાજ્યના હજયાત્રીઓની આતુરતાનો અંત હવે આવવાનો શરૂ થઈ ગયો છે. સઉદી એમ્બેસી તરફથી વિઝા આપવામાં અતિશય વિલંબ થતા ગુજરાતના હાજીઓ ભારે અસમંજસમાં મૂકાઈ ગયા છે. જો કે અત્યાર સુધી ર૦૦૦ પાસપોર્ટ ઉપર વિઝા મળી જતા હજ કમિટી ઓફ ઈન્ડિયાને ફ્લાઈટની ફાળવણી શરૂ કરાતા હજયાત્રીઓના બુકિંગ કન્ફર્મ થઈ શકશે.
ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેન પ્રો.મોહમ્મદ અલી કાદરી અને સેકશન અધિકારી એમ.કે.સિદ્દીકીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે સઉદી એમ્બેસી તરફથી વિઝા આપવામાં અતિશય વિલંબ થઈ રહેલ છે. તેના કારણે હજ કમિટી ઓફ ઈન્ડિયાને ફ્લાઈટની ફાળવણી કરવામાં પણ વિલંબ થઈ રહેલ છે. હજ કમિટી અફ ઈન્ડિયાને જેમ જેમ વિઝા મળશે તે મુજબ ફ્લાઈટોમાં બુકિંગ કન્ફર્મ થઈ શકશે. અત્યાર સુધીમાં અંદાજે ર૦૦૦ પાસપોર્ટ ઉપર વિઝા મળી ગયેલ છે અને આ હાજીઓ તેઓની ટીકિટ ઓનલાઈન બુક કરી શકે છે. જે લોકો ઓનલાઈન બુકિંગ કરવા માંગે છે તેઓ હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ ઉપરથી કરી શકે છે. આ માટે તેઓના રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર ઓ.ટી.પી. (વન સાઈટ પાસવર્ડ) મળશે. તે એન્ટર કરવાથી બુકિંગ થઈ જશે. બુકિંગ કરાવ્યા પછી હાજીઓએ બે દિવસ અગાઉ હજ હાઉસ આવવાની જરૂર રહેશે નહીં. આવા હાજીઓએ ર૪ કલાક અગાઉ હજ હાઉસખાતેથી પાસપોર્ટ-વિઝા-હજની કીટ મેળવી લેવાની રહેશે. પાસપોર્ટ-વિઝા-હજની કીટ લેવા આવતી વખતે પૈસા ભરેલાની અસલ પહોંચો રજૂ કરવાની રહેશે. ચેરમેન પ્રિન્સિપાલ મોહમ્મદ અલી કાદરી દ્વારા પાસપોર્ટ, વિઝા વહેલામાં વહેલી તકે મળે તે માટે સઘન પ્રયાસો કરાઈ રહ્યા છે.