અય અલ્લાહ તારા દરબારમાં હાજર તમામ હાજીઓની જાયઝ અને નેક તમન્ના પૂર્ણ કર


ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત હજયાત્રાએ જવા ગુજરાતના હજયાત્રીઓનો પ્રથમ કાફલો બુધવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રવાના થયો હતો. હજયાત્રીઓને વિદાય આપવા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગુજરાત રાજ્ય હજ સમિતિના પૂર્વ ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરી અને સભ્ય યુનુસ મહેતર, ડો. અસલમ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને ધારાસભ્યોએ તમામ હજયાત્રીઓને ફૂલ અને ટ્રાવેલબેગ આપી શુભકામના પાઠવી હતી. આ વખતની હજયાત્રામાં નાના બાળકો અને યુવા હજયાત્રીઓની સંખ્યા સવિશેષ જોવા મળી હતી. ગુજરાત રાજ્ય હજ કમિટીના નવનિયુક્ત સચિવ ઈમ્તિયાઝ મનસુરી પણ હોદ્દો સંભાળ્યાના પ્રથમ દિવસે જ હજયાત્રીઓને શુભેચ્છા પાઠવવા દોડી ગયા હતા. હજયાત્રીઓને વિદાય આપવા તેમના સગા-સંબંધી, મિત્રો, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં હાજર હતા અને એરપોર્ટમાં પ્રવેશતી વખતે હાથ હલાવી તેમને વિદાય આપી હતી.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા પવિત્ર હજયાત્રાએ જનારા ગુજરાત રાજ્યના હજયાત્રીઓની પ્રથમ ફ્લાઈટ આજરોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થઈ હતી. સઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં ૩૦૦ હજયાત્રીઓનો પ્રથમ કાફલો સવારે ૮ઃ૧૦ કલાકે રવાના થયો હતો જે ૧૧ઃ૧૦ વાગ્યાની આસપાસ જિદ્દાહ એરપોર્ટ પહોંચી ગયો હતો.
ગુજરાતના હજયાત્રીઓની પ્રથમ ફલાઈટ ૮.ર૦ કલાકની હોવાથી વહેલી પરોઢથી જ હજયાત્રીઓ અને તેમના સગાસંબંધીઓ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. લગભગ પ.૧પ વાગ્યાની આસપાસથી હજયાત્રીઓને એરપોર્ટમાં પ્રવેશ આપવાનો શરૂ કરાયો હતો. હજયાત્રીઓને વિદાય આપવા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા હજ કમિટીના પૂર્વ ચેરમેન પ્રો.મોહમ્મદ અલી કાદરી, પૂર્વ સભ્ય યુનુસ મહેતર, ડો.અસલમ, સઈદ શેખ, ઈમરાન સોદાગર, બ્રિજેશ શર્મા, ભૂપેશ પ્રજાપતિ, મિલન શાહ, યુસુફ માટીન, પપ્પુ શેખ, ભુરાબાપુ, આસીફ અન્ના, હુસેનમિયાંં શેખ, ઝહીર શેખ, સોએબભાઈ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તમામ હજયાત્રીઓને ફૂલ અને ટ્રાવેલ બેગ આપીને સફળ હજયાત્રાની અને હજ કબુલિયતની શુભકામના પાઠવી હતી. તથા દેશ અને દુનિયામાં ખાસ કરીને ગુજરાતમાં શાંતિ, સલામતી, ભાઈચારો, કોમી એકતા જળવાઈ રહે અને ભારત દેશ વિશ્વની મહાસત્તા બને તેમજ ગુજરાત દેશનું નંબર વન રાજ્ય બની રહે તેવી દુઆ કરવા હજયાત્રીઓને સંદેશો પાઠવ્યો હતો. હજયાત્રીઓને વિદાય આપવા આવેલા એરપોર્ટ પર તેમના સગા સંબંધી, પરિવારના સભ્યો મિત્રો અને શુભેચ્છકોની આખરી મુલાકાત વેળા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. ખાસ કરીને વૃદ્ધ હજયાત્રીઓને તેમના પૌત્ર, પૌત્રીઓ, નવાસા, નવાસીઓ, પુત્ર, પુત્રીઓ ગળે ભેટીને અશ્રુભિની આંખે વિદાય આપતા હતા, ત્યારે સમગ્ર માહોલ ગમગિન થઈ ગયો હતો. હજ પઢવા તેના માતા-પિતા સાથે ગયેલી છ વર્ષની બાળકીએ હાજરજનો તમામનું ધ્યાન ખેંચાયું હતું. આ બાળકીને ધારાસભ્યો અને પૂર્વ ચેરમેને ખાસ ગુલાબનું ફૂલ આપી તેને વ્હાલ કર્યું હતું.
ગુજરાત રાજ્ય હજ કમિટીની ગત ર૮ જુલાઈના રોજ મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવાથી કમિટી દ્વારા હજયાત્રીઓને શુભેચ્છા આપવા સત્તાવાર કાર્યક્રમ રાખ્યો ન હતો પરંતુ બંને ધારાસભ્યો સાથે પૂર્વ ચેરમેન પ્રો.મોહમ્મદ અલી કાદરી અને સભ્ય યુનુસ મહેતર ઉપસ્થિત રહ્યા હતા. હજયાત્રીઓની ખિદમત માટે સ્વૈચ્છિક સંગઠનોના સભ્યો, કાર્યકરો અને હજ કમિટીના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આથી તમામ હજયાત્રીઓ સમય પહેલાં ફ્લાઈટમાં ગોઠવાઈ જતા સઉદી એરલાઈન્સની ફ્લાઈટ સવારે ૮ઃર૦ને બદલે ૮ઃ૧૦ કલાકે જ રવાના થઈ ગઈ હતી.