અમદાવાદ, તા.૩
ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત પવિત્ર હજયાત્રાએ જનારા ગુજરાતના હજયાત્રીઓ માટે આગામી તા.૭ જાન્યુઆરીના રોજ હજ ડ્રો (કુર્રા) કરવામાં આવશે. ગુજરાત રાજ્ય હજ સમિતિના સેક્શન ઓફિસર મુબિન સિદ્દીકીએ એક વાતચીતમાં જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ચાલુ વર્ષે ૩૩૫૪૬ અરજદારોએ અરજી કરી હતી, તે પૈકી ૭૦ વર્ષ કે તેથી વધુ વયના રિઝર્વ કેટેગરીના અરજદારોની કુલ સંખ્યા ૬૩૨ છે. જેઓને ડ્રો વિના કન્ફર્મ કરવામાં આવશે એટલે આ ૬૩૨ બેઠકો બાદ કરતા બાકીની ૩૨૯૧૪ બેઠકો માટે ડ્રો (કુર્રા) કરવામાં આવશે. હજ સમિતિના સચિવ આર.આર. મન્સુરીએ એક યાદીમાં જણાવ્યું છે કે, હજ ર૦૧૯ માટે ઉમેદવારોની પસંદગી કરવા આગામી ૭-૧-ર૦૧૯ને સવારે ૧ર કલાકે ગાંધીનગર સેક્ટર ૧૭ સ્થિત ટાઉન હોલમાં હજ ડ્રો (કુર્રા)નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ડ્રોમાં પસંદગી માટે સીટોનો કવોટા હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે, જે મુજબ ગુજરાત રાજ્યને ફાળવેલ કવોટાના આધારે ડ્રો કરવામાં આવશે. ડ્રોનું આયોજન ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા હજ કમિટી ઓફ ઈન્ડિયાના સર્વર ઉપર કરવામાં આવશે અને ડ્રોમાં સફળ થયેલા ઉમેદવારોને એસએમએસ દ્વારા તેની જાણ કરવામાં આવશે.