ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત હજયાત્રાએ જનારા હજયાત્રીઓની પ્રથમ ફ્લાઈટ બુધવારે સવારે મદીનાશરીફ જવા રવાના થવાની હતી પરંતુ ફલાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ફ્લાઈટ ૧ર કલાકથી વધુ મોડી ઉપડી હતી. એ અગાઉ સવારે હજયાત્રીઓને વિદાય આપવા ત્રણે મુસ્લિમ ધારાસભ્યો મોહમ્મદ જાવેદ પીરઝાદા, ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા કાર્યકરો અને શુભેચ્છકો સાથે એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ હજયાત્રીઓને ફુલ અને ટ્રાવેલ બેગ આપી શુભકામના પાઠવી હતી. તેમજ દેશ અને દુનિયામાં શાંતિ, સલામતી અને ભાઈચારાનો માહોલ બની રહે, ભારત વિશ્વની મહાસત્તા બને તેમજ ગુજરાત દેશનું નંબર વન રાજ્ય બની રહે ઉપરાંત ગુજરાત સહિત દેેશભરમાં સારો વરસાદ થાય તેવી દુઆ કરવા હાજીઓને વિનંતી કરી હતી. દરમિયાન હજયાત્રીઓ એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશ મેળવે તે પહેલા તેમના સગા-સંબંધી અને મિત્રોને અલવિદા કરતા બીજી તસવીરમાં દૃશ્યમાન થાય છે. જ્યારે ફલાઈટ મોડી પડતાં હજ કમિટી દ્વારા હજયાત્રીઓ માટે એરપોર્ટ ટર્મિનલમાં જ બનાવેલા ખાસ ડોમમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરી ફલાઈટ રાત્રે ૮ઃ૩૦ બાદ ઉપડી ત્યાં સુધી તેમની સરભરા કરી હતી.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત પવિત્ર હજયાત્રાએ જવા નીકળેલ ગુજરાતના ૪૧૯ હજયાત્રીઓ વહેલી સવારથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ગતરાતે મદીના શરીફથી અમદાવાદ આવેલી ફલાઈટમાં અચાનક યાંત્રિક ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડયું હતું. આ ફલાઈટમાં માત્ર ક્રૂ મેમ્બરો હતા. જો આ ફલાઈટ હજયાત્રીઓને લઈ રવાના થઈ હોત ત્યારબાદ અધવચ્ચે ખામી સર્જાઈ હોત તો શું થાત ! તે કલ્પના કરતાં જ કંપારી છૂટી જાય તેમ છે.
ગુજરાતના હજયાત્રીઓની બુધવારે સવારે ૮ઃ૧પ કલાકે અમદાવાદ એરપોર્ટથી મદીના શરીફ માટે ઉપાડવાની હતી. આથી હજયાત્રીઓ અને તેમના સગા-સંબંધી અને મિત્રો અડધી રાત્રીથી જ એરપોર્ટ પહોંચી ગયા હતા. હજયાત્રીઓને સમયસર એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશ આપી દેવાયો હતો. આથી હજયાત્રીઓના સગાસંબંધી અને મિત્રો ફલાઈટ ઉપડવાની રાહ જોતા એરપોર્ટ સંકુલમાં બેસી રહ્યા હતા. વહેલી સવારે હજયાત્રીઓને જાણ કરવામાં આવી કે મદીના શરીફ જવા એર ઈન્ડિયાની જે ફલાઈટ રવાના થવાની હતી તેમાં યાંત્રિક ખામી સર્જાતા સવારે ૮ઃ૧પ વાગ્યે ઉપડી શકશે નહીં. આ સાંભળતા જ હજયાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ હજ કમિટીના સચિવ આર.આર.મનસુરી, રોકશન ઓફિસર મુબીન સિદ્દીકી તથા અન્ય અધિકારીઓએ બાજી સંભાળી લઈ હજયાત્રીઓને સમજાવ્યા હતા અને દિલાસો આપ્યો હતો અને જ્યાં સુધી અન્ય ફલાઈટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હજયાત્રીઓને જરાપણ તકલીફ નહીં પડે તેની ખાતરી આપી હતી. દરમિયાન જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હજયાત્રીઓમાં બેચેની વધતી જતી હતી. આથી સચિવ આર.આર.મનસુરી અને એસ.ઓ.મુબીન સિદ્દીકીએ એર ઈન્ડિયાના મેનેજરનો સંપર્ક કરી હજયાત્રીઓ માટે અન્ય ફલાઈટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રહેવા જમવાની વ્યવસ્થા કરવા જણાવતા એર ઈન્ડિયા દ્વારા તુરત જ હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા. જો કે, હજયાત્રીઓ કે જેમાં મોટાભાગે ઉમરલાયક વધારે હોવાથી તેઓ જવા તૈયાર ન હતા આથી એર ઈન્ડિયાએ એરપોર્ટ ટર્મિનલમાં બનાવેલા ડોમમાં જ હજયાત્રીઓ માટે જરૂરી વ્યવસ્થા કરી હતી. આ સમય દરમિયાન સચિવ, સેકશન ઓફિસર, સ્વૈચ્છિક સંગઠનોના હોદ્દેદારો હજ ખિદમતગારો સતત હજયાત્રીઓની પડખે રહ્યા હતા અને તેમને કોઈપણ બાબતની જરાપણ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતા હતા. એર ઈન્ડિયાની વિનંતીથી હજ કમિટીએ હજયાત્રીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરી હતી. આખી રાતનો ઉજાગરો અને દિવસભરનો થાક હોવા છતાં તેઓ સતત પડછાયાની જેમ હજયાત્રીઓની સેવામાં ખડેપગે હતા અંતે સાંજે ૬ વાગ્યાની આસપાસ ફલાઈટ આવ્યાની જાણ થતાં તમામ હજયાત્રીઓ, હજ કમિટીના સ્ટાફ અને ખિદમતગારોએ રાહતનો દમ લીધો હતો અને હજયાત્રીઓની તકલીફ બદલ માફી માંગી દિલગીરી વ્યક્ત કરી અશ્રુભિની આંખે વિદાય આપી હતી.

એર ઈન્ડિયાની ખોટ પૂરવા કોન્ટ્રાક્ટ આપી હાજીઓના જીવન સાથે ચેડાં

ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત હજયાત્રાએ જતા હજયાત્રીઓની સુવિધા માટે છેલ્લા ૬ વર્ષથી સઉદી એરલાઈન્સની ફ્લાઈટ બુક કરવામાં આવતી હતી. પરિણામે હજયાત્રીઓને ખૂબ સારી સુવિધા મળી રહેતી હતી અને ફલાઈટ પણ સમયસર જતી આવતી હતી. પરંતુ વર્ષે ખોટમાં ખાડામાં જતી અને જૂની ફલાઈટ ધરાવતી એર ઈન્ડિયાને પુનઃચાલુ વર્ષે હજ ફ્લાઈટનો કોન્ટ્રાક્ટ અપાતા પ્રથમ દિવસથી જ ધાંધિયા શરૂ થઈ ગયા છે. જાણવા મળ્યા મુજબ ફ્લાઈટનો કોન્ટ્રાક્ટ નક્કી કરવામાં હજ સાથે સંકળાયેલા ભાજપના એક મુસ્લિમ મંત્રીનો હાથ છે. હજયાત્રીઓના સંબંધીઓમાં થતી ચર્ચા મુજબ ખોટના ખાડામાં જતી એર ઈન્ડિયાની ખોટ પુરવા એર ઈન્ડિયાને હજની ફલાઈટનો કોન્ટ્રાક્ટ આપી હજયાત્રીઓના જીવન સાથે ચેડાં કર્યા છે. યાંત્રિક ખામીવાળી ફલાઈટમાં સદનસીબે મુસાફરો ન હતા. જો હજયાત્રીઓને લઈ જતી ફલાઈટમાં ખામી સર્જાઈ હોત તો દુર્ઘટના પણ સર્જાવાની શકયતા હતી. જો અન્ય મુસાફરો સાથે આ પ્રકારની ઘટના બની હોત તો દેશભરમાં ઉહાપોહ મચી જાત તેવો બળાપો વ્યક્ત કર્યો હતો.