હજ કમિટીના સેક્શન ઓફિસર મુબીન સિદ્દીકી કહે છે
હજયાત્રીઓના ધસારાને ધ્યાનમાં રાખી ટર્મિનલમાં ખાસ ટેન્ટ ઊભા કરાયા

હજયાત્રીઓ માટે ચાલુ વર્ષે નજીક નજીકના સમયગાળામાં ત્રણથી ચાર ફલાઈટ હોવાથી હજયાત્રીઓ એકસાથે ઉમટી પડશે. આથી હજ ટર્મિનલમાં એકસાથે બે કે ત્રણ ફલાઈટના યાત્રીઓ જમા થવાની શક્યતા જોતા હજ કમિટીએ યાત્રીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ અંગે વાતચીત કરતા ગુજરાત હજ કમિટીના સેક્શન ઓફિસર મુબીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે, અમે ટર્મિનલની અંદર સિક્યુરિટી એરિયામાં હજયાત્રીઓ માટે ખાસ ટેન્ટ તૈયાર કર્યા છે. આથી પ્રથમ ફલાઈટના હજયાત્રીઓ જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ ટેન્ટમાં બેસશે ત્યારબાદ બીજી ફલાઈટના હજયાત્રીઓને પ્રવેશ આપવામાં આવશે. આ થોડું મુશ્કેલ જરૂર છે પરંતુ ઈન્શાઅલ્લાહ અમે હજયાત્રીઓને અગવડતા ન પડે તે માટે તમામ પ્રયત્નો કરીશું.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૬
ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત પવિત્ર હજયાત્રાએ જનારા ખુશનસીબ હજયાત્રીઓની પ્રથમ ફલાઈટ આવતીાલ તા.૧૭/૦૭/ર૦૧૯ને બુધવારે સવારે ૮ઃ૧પ કલાકે મદીના શરીફ જવા રવાના થશે ત્યારબાદ બે દિવસ કોઈ ફલાઈટ નથી અને ર૦ તારીખથી ઉપડનારી તમામ ફ્લાઈટ અમદાવાદથી સીધી જિદ્દાહ જવા રવાના થશે. આ વખતે ફલાઈટના સમય એટલા નજીક નજીક છે કે, હજ કમિટીના સ્ટાફ અને ખિદમતગારોને વ્યવસ્થા સાચવવામાં નાકે દમ આવી જશે. ગુજરાત રાજ્ય હજ સમિતી મારફત ચાલુ વર્ષ ર૦૧૯માં ૮૧૦૦ જેટલા હજયાત્રીઓ પવિત્ર હજ અદા કરવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી રવાના થશે. આવતીકાલે સવારે ૮ઃ૧પ કલાકે પ્રથમ ફલાઈટ મદીનાશરીફ જવા રવાના થશે. આથી એરપોર્ટ ખાતે હજયાત્રીઓને જરૂરી એવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં હજ કમિટીના સચિવ આર.આર. મનસુરી સેક્શન ઓફિસર મુબીનસિદ્દીકી સહિતનો સ્ટાફ, સ્વૈચ્છિક સંગઠનોના હોદ્દેદારો અને હજ ખિદમતગારોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ વખતે આવતીકાલ ૧૭મીની પ્રથમ ફ્લાઈટ મદીનાશરીફ જશે તે પછી બે દિવસના ગાળા બાદ ર૦ તારીખથી તમામ ફલાઈટ જિદ્દાહ જશે. આમ ર૦મીથી ર૬ જુલાઈ સુધી સાત દિવસમાં રર ફલાઈટ રવાના થશે. આ અગાઉ ૧૪ દિવસમાં રરથી રપ ફલાઈટ ઉપડતી હતી. આ વખતે ૭ દિવસમાં રર ફલાઈટ હોવાથી એરપોર્ટ પર હજયાત્રીઓને મુકવા આવનાર તેમના સગાસંબંધી અને મિત્રો એકસાથે એકઠા થઈ જશે પરિણામે ભારે અવ્યવસ્થા સર્જાવાની ભીતિ છે. આ જોતા હજ કમિટીના સ્ટાફ અને હજ ખિદમતગારોને વ્યવસ્થા જાળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ર૦ જુલાઈના રોજ એક ફલાઈટ રાત્રે ૮ વાગે અને બીજી રાત્રે ૧૦ઃ૧૦ વાગ્યે, ર૧ જુલાઈના રોજ પ્રથમ ફલાઈટ રાત્રે ૧ઃર૦ કલાકે, બીજી બપોરે રઃ૪૦ કલાકે, ત્રીજી રાત્રે ૮ઃપ૦ કલાકે, ચોથી રાત્રે ૧૦ઃ૧૦ કલાકે અને પાંચમી રાત્રે ૧૧ઃ૧૦ કલાકે છે. આમેય રાત્રે ૮ઃપ૦, ૧૦ઃ૧૦ અને ૧૧ઃ૧૦ની ફલાઈટના હજયાત્રીઓ અને તેમના સંબંધીઓ ચાર કલાક વહેલા આવી જશે. પરિણામે આ છેલ્લા ત્રણ ફલાઈટ વખતે ભારે અવ્યવસ્થા ઊભી થવાની શક્યતા છે. એજ રીતે રરમીએ રાત્રે ૮ વાગે અને રાત્રે ૧૦ઃર૦ કલાકે ર૩મીએ બપોરે રઃપ૦ અને ૪ કલાકે, ર૪મીએ બપોરે ૧ઃપ૦ અને રઃપ૦ કલાકે નજીક નજીક ફલાઈટ હોવાથી અવ્યવસ્થા સર્જાવાની શક્યતા છે. હજ હાઉસ અને એરપોર્ટ ખાતે વર્ષોથી હજયાત્રીઓની ખિદમત સાથે સંકળાયેલા એક ખિદમતગારે હજયાત્રીઓને જાહેર વિનંતી કરતા જણાવ્યું છે કે, તેઓ એરપોર્ટ ખાતે આવે ત્યારે ઓછામાં ઓછા સગાસંબંધી કે મિત્રો લઈને આવે તે તમામ માટે હિતાવહ છે. નહીં તો પાર્કિંગ, ખાણી-પાણી, શૌચાલય, પાણી સહિતની સમસ્યા સર્જાઈ શકે છે.