ભાવનગર, તા.ર૭
તાજેતરની હજયાત્રા સંપન્ન થઈ પરંતુ હજયાત્રામાં સામેલ હાજીઓ સાથે હજ કમિટી અને સરકારે જે ખુલ્લી લૂંટ ચલાવી છે તે અંગે હજ યાત્રીઓના બયાનથી ચોંકી જવાય છે. તાજેતરમાં ભાવનગર શહેરના હાજી મહેબૂબભાઈ તાજાણીએ ભાવનગરની ગુજરાત ટુડેની ઓફિસમાં જે બાબતો વર્ણવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. મહેબૂબભાઈએ જણાવેલ કે પ્લેનની ટિકિટ પ૬૦૦૦ની મૂળ ટિકિટ ૧૮ ટકા લેખે જીએસટી અને રૂા.૪૦૦૦ એરપોર્ટ ટેક્ષ દરેક હાજી પાસેથી વસુલેલ એટલે અમદાવાદથી જિદ્દાહની ફ્લાઈટના આવવા-જવાના કુલ ૭૦,૦૦૦ (સીત્તેર હજાર) તો માત્ર ટિકિટના લેવામાં આવ્યા. સામાન્ય રીતે હજ કે ઉમરાહ ૧પ દિવસ પ૦થી ૬૦ હજારમાં રહેવા-ખાવાના અને ટિકિટ બધા જ ખર્ચા તેમાં આવી જાય તેમ છે. છતાંય એક લાખ કરતા વધારે હાજીઓની હવાઈ સફર સસ્તી હોવી જોઈએ તેને બદલે ૭૦થી ૮૦ તો હવાઈ સફરનાં વસુલાયા.
આ ઉપરાંત દરેક હાજીઓ કે જેને સઉદી અરેબિયાની સરકારે ટ્રેનને બદલે બસ કે કારમાં મુસાફરી કરવી પડી તેઓ તમામ હાજીઓને ૧૦૬૮પ (દસ હજાર છસ્સો, પંચ્યાસી) સેવામાં ઉપણને કારણે પરત કર્યા તે તમામ રકમમાંથી હજ કમિટીએ પ૩૪૦ બારોબાર પોતાના ગજવામાં મૂકી દીધા અને સઉદી સરકારે હાજીઓને ૧૦૬૮પ પરત કર્યા તે હજુ સુધી તેની રકમ હાજીઓને ચૂકવવામાં આવી નથી અને આ અંગે હજ કમિટી-મુંબઈ કે અમદાવાદ ફોન દ્વારા માગણી કરવામાં આવે તો કોઈ જ જવાબ આપવામાં આવતો નથી. હજારો-લાખો હાજીઓના રૂપિયા કે જે તેને સઉદી સરકારે આપ્યા છે તે પણ બારોબાર ઓળવી ગયા છે.
હજ કમિટી તેમાંથી પ૩૪૦ કપાત કરી બાકીની રકમ પણ હાજીને આપતી નથી. એરપોર્ટ ચાર્જ રૂા.૪૦૦૦ અને કપાત પ૩૪૦ આમ ૯૩૪૦ હાજીઓના તદ્‌ન ગેરકાયદેસર હજ કમિટી લઈ લે છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત કોઈ અધિકારી કે કર્મચારી હાજીઓને કોઈ જ મદદ હજયાત્રા દરમ્યાન કરતા નથી. હજયાત્રીઓને પ૦ રૂા.ની છત્રી ત્યાં હજયાત્રા દરમ્યાન પપ૦ની ફરજિયાત પકડાવી દેવામાં આવે છે. હજયાત્રા દરમ્યાન મીના કે અરફાતમાં મૌલીમ લોકો બરાબર ખાવાનું પણ આપતા નથી. એટલું જ નહીં મીનાથી અરફાત સુધીનું સાત કિ.મી.નું અંતર કાપવામાં અણઘડ ડ્રાઈવરો આખી રાતમાં કાપી શકતા નથી. છેવટે આખી રાત હેરાન થયેલ હાજીઓએ ત્યાંની પોલીસને આ બાબત જણાવતા માત્ર ૧પ મીનિટમાં તેમને તેમના મુકામ ઉપર પહોંચાડવામાં આવેલા. હજયાત્રા દરમ્યાન આપેલા ફલેટ કે મકાનમાં ગાદલા પણ પહોંચાડતા નથી. ભારત સરકાર કોઈ જ સગવડતા આપતી નથી. માત્રને માત્ર હજ-કમિટી હાજીઓને લૂંટવાના ધંધા કરે છે. હજના નામે સઉદી સરકાર ખૂબ જ પ્રસંસનીય કાર્ય કરે છે. પરંતુ સ્થાનિક હજ કમિટી હાજીઓ માટે કંઈ જ કાર્ય સારૂ કરતી નથી.