ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત વર્ષ ર૦ર૦માં હજ અદા કરવા જવા ઈચ્છુક અરજદારો માટે બુધવારના રોજ અમદાવાદના કાલુપુર હજ હાઉસ ખાતે કુર્રા (ડ્રો) કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જામીઆ મદીનતુલઉલૂમ ખેડા-રતનપુરના મુફતી મુહમદ અશરફ, મુફતી સલમાન, સરખેજના સૈયદ યાસીનબાપુ ગુજરાત રાજ્ય હજ કમિટીના સેક્રેટરી આર.આર. મનસુરી, સેક્શન ઓફિસર મુબીન સિદ્દીકી, ડેપ્યુટી સેક્શન ઓફિસર અબ્દુલગનીભાઈ, હજ ખિદમતગાર અબ્દુલકાદર શેઠવાલા, હજ કમિટીનો સ્ટાફ, ખિદમતગારો, સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ તથા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં હજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૮
ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત પવિત્ર હજઅદા કરવા ઈચ્છુક અરજદારો માટે આજરોજ અમદાવાદના કાલુપુર સ્થિત હજ હાઉસ ખાતે હજ કુર્રા (ડ્રો) કરવાનો કાર્યક્રમ આમંત્રિત મહેમાનો અને રાજ્યભરમાંથી આવેલા હજ અરજદારોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. ડ્રોમાં સફળ થયેલાં હજ અરજદારો પૈકી લોકો હાજર હતા. તેઓ તેમનો ડ્રોમાં નંબર લાગતા જ આંખોમાં ખુશીના આંસુ સાથે ઝુમી ઉઠ્યા હતા. ગુજરાત રાજ્ય હજ સમિતિના સેક્રેટરી આર.આર. મનસુરીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ગુજરાતમાંથી ર૯પ૩૩ અરજદારોએ અરજી કરી હતી. જેમાંથી ૭૦+ કેટેગરીના ૭પ૧ તથા મહેરમ વિનાની પ મહિલા અરજદારો મળી ૭પ૬ અરજદારોને ડ્રો વિના કન્ફર્મ કરાયા બાદ બાકીના ર૮૭૭૭ અરજદારો માટે ડ્રો કરવામાં આવ્યો હતો. ગુજરાતને ચાલુ વર્ષે અત્યાર સુધી ૭ર૮પનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. તેમાંથી ૭પ૬ કન્ફર્મ અરજદારોને બાદ કરતાં ૬પર૯ અરજદારો સફળ થયા હતા. જ્યારે બાકીના ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. જેમ જેમ અન્ય રાજ્યોમાંથી વધારાનો ક્વોટા મળશે તેમ તેમ વેઈટિંગ લિસ્ટમાંથી ક્રમાનુસાર ઉમેદવારોને કન્ફર્મ કરવામાં આવશે. આથી વેઈટિંગ લિસ્ટમાંથી ૧પ૦૦થી ર૦૦૦ જેટલા ઉમેદવારો કન્ફર્મ થાય તેવી શક્યતા છે. દરમ્યાન આજના કુર્રાના કાર્યક્રમમાં જામીઆ મદિનતુલ ઉલૂમ ખેડા, રતનપુરના મુફ્તિ મુહમ્મદ અશરફ ઉપરાંત મુફ્તિ સલમાન, સરખેજના સૈયદ યાસીનબાપુ, હજ કમિટીના સેક્રેટરી આર.આર. મનસુરી, સેકશન ઓફિસર મુબીન સિદ્દીકી, ડેપ્યુટી સેક્શન ઓફિસર અબ્દુલગનીભાઈ સહિત હજ કમિટીનો સ્ટાફ સ્વૈચ્છિક સંગઠનોના ખિદમતગારો તથા મોટી સંખ્યામાં હજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. ડ્રો કરતાં અગાઉ આમંત્રિત મહેમાનોએ હજની ફઝીલત ઉપર ટુંકુ બયાન કર્યા બાદ ઉપસ્થિત હજ અરજદારો જેની ઉત્સુકતાથી રાહ જોતા હતા. તે કુર્રા (ડ્રો)ની શરૂઆત કરવામાં આવી હતી. હજ કમિટી ઓફ ઈન્ડિયાના સર્વર ઉપર ડ્રો કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ હાઉસના કેમ્પસમાં મુકવામાં આવેલા સ્ક્રીન ઉપર ડ્રો દર્શાવવામાં આવ્યો હતો. ડ્રો દરેક જિલ્લાની મુસ્લિમ વસ્તી પ્રમાણે હજ કમિટી ઓફ ઈન્ડિયાએ ફાળવેલ ક્વોટા મુજબ ડ્રો કર્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ૯૯ર અરજદારો સફળ થયા હતા. જ્યારે સૌથી ઓછા માત્ર ર અરજદારો ડાંગ જિલ્લાના હતા.