(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૮
ગુજરાત રાજય હજ કમિટી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે છેલ્લા ત્રણેક વર્ષથી મફતમાં કોંચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ગોથી પ્રભાવિત થઈ લઘુમતી મંત્રાલય દ્વારા આવતા વર્ષથી દરેક રાજયની હજ કમિટી મારફત આઈએએસ અને આઈપીએસના વર્ગો શરૂ કરશે.
ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ જણાવ્યું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે તે માટે ત્રણેક વર્ષ અગાઉ ગુજરાત રાજય હજ કમિટી દ્વારા કાલુપુર સ્થિત હજ હાઉસ ખાતે મફતમાં તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં રાજયના જુદા જુદા જિલ્લાના તાલીમાર્થી વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ બાબતથી પ્રભાવિત થઈ હવે લઘુમતી મંત્રાલય દ્વારા આઈએસએસ અને આઈપીએસના મફત તાલીમ વર્ગો દરેક રાજયની હજ કમિટી મારફત શરૂ કરવામાં આવશે. જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને મોંઘીદાટ ફી ભરવામાંથી મુકિત મળશે.