નવી દિલ્હી, તા. ૬
ભારત સરકારે ડિસેબિલીટી રાઇટ ગ્રૂપના ભારે વિરોધને પગલે હજ દિશાનિર્દેશોની નીતિઓમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. આ મામલે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, સરકારે એવાલોકો પરથી પ્રતિબંધ હટાવી લીધો છે જેઓ વિકલાંગતાને પગલે હજ પર જવા માટે અરજી કરી શકતા નહોતા. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આ દિશાનિર્દેશોનું પાલન છેલ્લા ૬૦ વર્ષ અથવા તેના કરતા વધુ સમયથી કરવામાં આવે છે. સંભવ છે કે, સઉદી અરબના કેટલાક પ્રતિબંધ હતા. જોકે, આ વર્ષે વિકલાંક લોકોને હજ પર જવાની પરવાનગી આપવામાં આવશે.
આ પહેલા રાજ્યોની હજ કમિટીના દિશાનિર્દેશોમાં જણાવવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિના પગ કપાયેલા હોય, અપંગ, વિકલાંગ, પાગલ અથવા શારીરિક અથવા માનસિક રીતે બીમાર હોય તેઓ હજ માટે અરજી કરી શકતા નહોતા. જોકે, હવે મંત્રાલયની વેબસાઇટ પરથી આ કોલમને હટાવી લેવામાં આવી છે કે, હજ પાત્રતાની આ કોલમ વિચારાધીન છે. ઉલ્લેખનીય છે કે, અગાઉની કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા મહિલાઓને મહેરમ વિના હજ પર જવાની પરવાનગી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રવિવારે કહ્યું હતું કે, મેં જોયું છે કે, જો કોઇ મુસ્લિમ મહિલા હજ પર જવા માગતી હોય તો તે મહેરમ વિન જઇ શકતી નથી. ત્યારે મને એવું લાગ્યું કે, એ અમે લોકો જ છીએ જે આ મહિલાઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. આ નિયમનો ઘણા ઇસ્લામિક દેશોમાં પાલન નથી થતું. આ અંગે અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે કામ વિદેશી સરકારો પહેલા જ કરી ચૂકી છે તેનો શ્રેય વડાપ્રધાને લેવાની જરૂર નથી. તેમણે કહ્યંુ કે, સઉદી સરકારે છેલ્લા ૪૫ વર્ષ કરતા વધુ સમયથી મહિલાઓને વિના મહેરમ હજ પર જવાની પરવાનગી આપેલી છે.