નવી દિલ્હી, તા.૫
એવા અહેવાલો મળી રહ્યા છે કે, વર્ષ ૨૦૧૮માં ભારતીય મુસ્લિમોને સમુદ્રી માર્ગથી હજ માટે સઉદી અરબ મોકલવાની તૈયારી ચાલી રહી છે. આને હવાઇ મુસાફરીના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૬ જુલાઇ ૨૦૧૭ના રોજ લોકસભામાં ઓલ ઇન્ડિયા અન્નાદ્રવિડ મુનેત્ર કઝગમના સાંસદ પી. નાગરાજને સવાલ કર્યો હતો કે, શું કેન્દ્ર સરકાર હજ યાત્રા માટે દરિયાઇ માર્ગ શરૂ કરવા તથા અકબર અને નૂરજહાં જહાજોને લગાવવા માટે પરિવહન મંત્રાલયને અનુરોધ કર્યો છે ? આ સવાલના જવાબમાં લઘુમતી કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, લઘુમતી કાર્ય મંત્રાલય જહાજ પરિવહન મંત્રાલય સાથે ફક્ત એક વધારાના વિકલ્પ તરીકે જહાજોના માધ્યમથી હજ યાત્રા ફરી ચાલુ કરવાની સંભાવનાઓ પર વિચારણા પર તપાસ કરવામાં આવી રહી છે. જહાજ પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે, જો ૧૧૦૦ યાત્રીઓની ક્ષમતાવાળા જહાજોનો ઉપયોગ કરવામાં આવે તો ટિકિટની કિંમત એરલાઇન્સની કિંમત કરતા ઓછી હશે.
મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, હાલ હજ યાત્રીઓને એકત્રિત કરવા તથા યાત્રાના સમય સહિત અન્ય વ્યવસ્થાઓ પર વિચારણા કરવાની જરૂર હશે. જહાજ પરિવહન મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર વિદેશ મંત્રાલય પાસેથી પણ આ અંગે સલાહ સૂચન માગવામાં આવ્યા છે. અત્યાર સુધી આ અંગે કંઇ નક્કી કરાયું નથી. રસપ્રદ વાત એ છે કે, મુખ્તાર અબ્બાસ નકવી ભલે લોકસભામાં એમ કહી રહ્યા હોય કે, આ અત્યાર સુધી વિચારણાના સ્તર પર છે અને કાંઇ નક્કી કરાયું નથી, પરંતુ મીડિયામાં તો તેઓ એપ્રિલમાં જ નિવેદન આપી ચૂક્યા છે કે, કેન્દ્ર સરકાર ૨૩ વર્ષ બાદ સમુદ્રી માર્ગે હજના પ્રવાસની શરૂઆત કરવા જઇ રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નવી હજ પોલિસી અંતર્ગત મોદી સરકારની યોજના ૨૦૧૮થી સમુદ્ર માર્ગથી હજ યાત્રાનો પ્રવાસ શરૂ કરવાનો છે. જે અંતર્ગત યાત્રીઓને મુંબઇથી જીદ્દાહ વચ્ચે સમુદ્રી માર્ગથી પ્રવાસ કરાવાશે. આમાં ત્રણથી ચાર દિવસ લાગશે. જહાજ કુલ ૧૫ ફેરા લગાવશે અને એક વખતમાં ૫૦૦૦ યાત્રી તેમાં પ્રવાસ કરી શકશે.
મીડિયામાં અપાયેલા નકવીના નિવેદન અનુસાર તાજેરતમાં જ મુંબઇમાં સેન્ટ્રલ હજ કમિટી ઓફ ઇન્ડિયાની એક બેઠક થઇ હતી જે બાદ વહીવટી સ્તરે એક કમિટી રચવામાં આવી હતી. જેને મોંઘી હવાઇ યાત્રાના રૂપમાં સમુદ્રી પ્રવાસ અંગે અધ્યયન કરી રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. મુખ્તાર અબ્બાસ નકવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શિપિંગ મિનિસ્ટ્રી પ્રસ્તાવને લીલીઝંડી આપી ચૂકી છે. એટલું જ નહીં સઉદી અરબ સરકારે સમુદ્રી માર્ગથી પ્રવાસનું સ્વાગત કર્યું છે. એવું કહેવામાં આવે છે કે, હજ યાત્રીઓને સમુદ્રી જહાજથી મોકલવા યાત્રા સંબંધી ખર્ચ આશરે અડધો થઇ જશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, કેન્દ્ર સરકાર પોતાના નિવેદન પર ક્યાં સુધી અમલ કરવાનું શરૂ કરે છે.