નવી દિલ્હી, તા. ૭
આપે હજ વાસ્તવિકતાની ખાસ સિરીઝની પ્રથમ સ્ટોરી ‘ફક્ત હજ ફોર્મમાંથી કરોડો કમા લીયે સરકારને’માં વાંચ્યું કે, કેવી રીતે હજ કમિટી ઓફ ઇન્ડિયા ફક્ત અરજી ફોર્મની પ્રોસેસિંગ ફીમાંથી ૧૩.૪૪ કરોડ રૂપિયા કમાવે છે. આજે હજ સિરીઝમાં પ્રોસેસિંગના નામે આ ફી ફક્ત એક વખત લેવાતી નથી પરંતુ ડ્રોમાં નામ આવ્યા બાદ ફરીથી પ્રોસેસિંગ ફી લેવામાં આવે છે અને આ વખતે પ્રોસેસિંગ ફીની રકમ ૧૦૦૦ રૂપિયા હોય છે. હજ કમિટી ઓફ ઇન્ડિયા અનુસાર જેનું નામ ડ્રોમાં આવે છે તેવા તમામ લોકોને હજ કમિટીએ ૮૧ હજાર રૂપિયા આપવાના હોય છે. આ વર્ષ માટે તેની અંતિમ તારીખ ૩૧ માર્ચ ૨૦૧૭ રાખવામાં આવી હતી. અહીં જાણી લઇએ કે, ૮૧ હજાર રૂપિયામાંથી ૮૦ હજાર રૂપિયા મુળ હજની રકમ હોય છે (આ રકમ અંગે આગલી સિરીઝમાં જાણવા મળશે) અને ૧૦૦૦ રૂપિયા ફરી પ્રોસેસિંગ ફી હોય છે. હજ કમિટી ઓફ ઇન્ડિયા આ ફી અંગે જણાવે છે કે, હજ કમિટી તેને અન્ય ખર્ચ માટે લે છે. આ રકમમાંથી ૧૫૦ રૂપિયા રાજ્યોની હજ કમિટીને હેન્ડલિંગ ચાર્જના રૂપમાં આપવામાં આવે છે. આ ઉપરાંત અલગથી ૧૫૦ રૂપિયા રાજ્યોની હજ કમિટીઓને હજ હાઉસના ખર્ચ માટે આપવામાં આવે છે. આ ઉપરાંત ૨૦૦ રૂપિયા ઇમ્બારકેશન પોઇન્ટ પર સહાયક વ્યવસ્થા કરનાર હજ કમિટીને વળતર અને ૫૦૦ રૂપિયા હજ કમિટી ઓફ ઇન્ડિયાની કચેરીના ખર્ચ માટે હોય છે. આ રકમમાંથી હજ કમિટી ૧૦૦ રૂપિયાની રકમ તાલિમી પ્રોગ્રામ કરવા માટે રાજ્યોની હજ કમિટીઓને આપે છે. હજ કમિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી સીઇઓ ફઝલ સિદ્દીકી જણાવે છે કે, આ પ્રકારે અમે ૬૦૦ રૂપિયા રાજ્યોની હજ કમિટીને આપીએ છીએ. બાકી બચેલા ૪૦૦ રૂપિયાનો ઉપયોગ અમે સમગ્ર વર્ષે પોતાની કચેરીઓના ખર્ચાઓ પૂરા કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, લઘુમતી કલ્યાણ મંત્રાલયના દસ્તાવેજ દર્શાવે છે કે, આ વર્ષે ભારતમાં કુલ ૧,૨૫,૦૨૫ લોકો હજ યાત્રા પર જઇ રહ્યા છે. આમાં વીઆઇપીઓ માટે ૫૦૦, ખાદિમુલ હુજ્જાજ માટે ૬૨૫ અને મહેરામ માટે ૨૦૦ બેઠકોને કોટા રિઝર્વ છે. આ રીતે ૧૨.૫૦ કરોડ રૂપિયા હજ કમિટી ઓફ ઇન્ડિયા પાસે આવે છે. આ પહેલા તે ૨૪ જાન્યુઆરી સુધી ફક્ત ફોેર્મથી જ આશરે ૧૩.૪૪ કરોડ રૂપિયા કમાણી કરી ચૂકી છે. એટલે દર વર્ષે માર્ચ મહિનાના અંત સુધી હજ કમિટી પાસે આશરે ૨૬ કરોડ રૂપિયા જમા થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ભારત સરકારને ૩૪,૫૦૦ બેઠકોનો વધારાનો ક્વોટા મળ્યો છે. એટલે આ વખતે દેશમાંથી કુલ ૧.૭ લાખ લોકો હજ માટે જશે. જેનો અર્થ એ થયો કે, ૪૪,૯૭૫ લોકોનો હિસાબ અત્યારે અલગથી છે. સરકાર આ ક્વોટા પ્રાઇવેટ ટૂર ઓપરેટર્સને આપે છે જ્યાં મનફાવે તેવા નાણા વસૂલવામાં આવે છે. અહીં એ પણ જાણવા જેવું છે કે, ૨૦૧૧ સુધી પ્રોસેસિંગના નામે આ ફી ૭૦૦ રૂપિયા હતી જેને ૨૦૧૨માં વધારીને ૧૦૦૦ કરી દેવામાં આવી છે.
(સૌ.ઃ ટુ સર્કલ.નેટ)