(એજન્સી) મુંબઈ, તા.ર૩
છેલ્લા ૬૦ દિવસોમાં બજારે ૧ર લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે અને જે લોકો મોદી સરકારના આગમનથી વધુ સુધારાની અપેક્ષા રાખી બેઠા હતા એ વધુ નિરાશ થયા છે. સેન્સેકસ ૧૮૦૦ પોઈન્ટ ઘટીને ૩૮૧૦૦ના સ્તરે રહ્યું છે જ્યારે બીએસઈ સ્માલકેપ ઈન્ડેક્ષ ૧ર ટકા ઘટયું છે. પણ આ સમજવું એટલું સહેલું નથી. પ્રથમ દર્શનીય રીતે દેખાય છે કે સેન્સેકસ અને નિફટી એમની સર્વોચ્ચ સપાટીએ છે. પણ ઈન્ડેક્ષ ફકત ટોચની કંપનીઓનો પ્રતિનિધિત્વ કરે છે. અમુક કંપનીઓના લીધે જ નિફટી પણ ઉચ્ચ સ્તરે દેખાઈ રહ્યો છે. આ કંપનીઓ છે એચડીએફસી, એચડીએફસી બેંક, ઈન્ફ્રોસીસ, આઈસીઆઈસીઆઈ, રિલાયન્સ, એસબીઆઈ, પાવર ગ્રીડ, કોટક બેંક અદાણી વિગેરે. પણ અન્ય કંપનીઓ પોતાના પર અઠવાડિયાના નિચલા સ્તરે છે અથવા એનાથી પણ વધુ ઘટેલ છે. જે રોકાણકારોએ ટોચની કંપનીઓમાં રોકાણ કર્યો હશે એમને જ લાભ થવાનો છે. લોકો નાની કંપનીઓમાં રોકાણ કર્યા હશે એમને જ લાભ થવાનો છે. લોકો નાની કંપનીઓમાં રોકાણ કરી વધુ લાભ મેળવવાની આશા રાખે છે પણ થાય છે એની વિપરીત. હજુ પરિસ્થિતિ વધુ બગડશે એ પ્રકારની શક્યતા નિષ્ણાંતો જોઈ રહ્યા છે. દેશની આર્થિક વ્યવસ્થા મંદીમાં છે. નાણાંકીય અને ઓટો ક્ષેત્રે અમુક વિપરીત પરિબળો છે. સરકારના ખર્ચની કોઈ યોજનાઓ નથી. વધુમાં વિદેશી રોકાણકારો બજેટ પછી સતત વેચવાલ બન્યા છે. એમણે આ મહિનામાં જ ૭૭૧ર કરોડ રૂપિયાના શેરો વેચ્યા છે.

મોદી ર.૦ : રોજગારી કટોકટી વધુ
ઘેરી બની : રિપોર્ટમાં કરાયેલ દાવો

મોદી-ર સરકારે આર્થિક ક્ષેત્રે ખૂબ જ ઉજ્જવળ પાસું બતાવે છે જેમાં નોકરીઓની તકો પણ સમાવિષ્ઠ છે જે આજની ગંભીર સમસ્યા છે. જો કે, હાલમાં મળતા રિપોર્ટો મુજબ પરિસ્થિતિ એકદમ વિપરીત છે જે દર્શાવે છે કે દેશ રોજગારી ક્ષેત્રે કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને આ કટોકટી આવનાર દિવસોમાં વધુ ગંભીર બનશે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ વધુ પડતા ઓટોમેશનથી નોકરીઓ ઘટતી જાય છે. મહત્ત્વના ક્ષેત્રો જેમ કે ઈ-કોમર્સ, બેન્કિંગ, નાણાંકીય સેવાઓ, વીમા ક્ષેત્ર, બીપીઓ-આઈટી ક્ષેત્રોમાં ૩૭ ટકા નોકરીઓ ઘટી છે. આ ઘટાડો ર૦૧૮-રર સુધીના અનુમાનિત ઘટાડાથી પણ વધુ છે. સર્વે મુજબ ઉપરોકત ક્ષેત્રો ઉપરાંત અન્ય ક્ષેત્રો જેમ કે માર્કેટિંગ, જાહેરાત, કૃષિ, ટેલિકોમ, મીડિયા, હેલ્થકેર અને ફાર્માક્ષેત્રમાં પણ નોકરીઓ ઘટી છે. આગામી થોડા વર્ષોમાં મોટાભાગના ક્ષેત્રોમાં લાંબાગાળે નોકરીઓની કટોકટી વધુ ઘેરી બનશે અને આ કટોકટી ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આપણી નીતિઓ ઘડનારાઓ કોઈ નક્કર નીતિ નહીં ઘડશે. અહેવાલો મુજબ જે વ્યક્તિઓ વધુ શિક્ષણ ધરાવતા હશે વધુ કુશળતા ધરાવતા હશે એમને પોતાની યોગ્યતા અને કુશળતાની સરખામણીમાં ઓછી કુશળતાવાળી નોકરીઓ કરવી પડશે. આગામી વર્ષોમાં ૭૦ ટકા નોકરીઓ ઘટવાની શક્યતા છે જેની વધુ અસર કૃષિ ક્ષેત્રમાં થશે. જો કે, રિપોર્ટ મુજબ બાંધકામ ક્ષેત્રમાં ૪૪ ટકા વધારો થઈ શકે છે. પણ આ ક્ષેત્રનો વિકાસ જ ૧૦ ટકા અંદાજિત છે.