(એજન્સી) તા.૨૨
બે વર્ષના પ્રોબેશનનો અંત આવવાનો હતો તેના એક દિવસ પહેલા સાહિત્ય અકાદમીએ સંગઠનના સેક્રેટરી પર યૌન શોષણ અને જાતીય સતામણીનો વારંવાર આરોપ મૂકનાર મહિલા અધિકારીની સેવાઓનો અંત આણ્યો છે. આ મામલામાં તપાસ હજુ પડતર છે અને દિલ્હી હાઇકોર્ટે ફરિયાદીને ૧૬ માર્ચ સુધી ફરિયાદીને સવેતન રજા લેવા માટે મંજૂરી આપી હોવા છતાં આ મહિલાની સેવાનો અંત લાવતો ઓર્ડર ઇસ્યૂ કરવામાં આવ્યો છે. ફેેબ્રુ.૨૦૧૮થી સાહિત્ય અકાદમીમાં ડેપ્યુટી સેક્રેટરી કક્ષાની પોસ્ટ પર કામ કરતી ફરિયાદી મહિલા અધિકારીએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમને પોતાની નોકરી શરુ થઇ ત્યારથી સેક્રેટરી કે શ્રીનિવાસ રાવ તરફથી જુદા જુદા સ્વરુપે યૌન શોષણ અને જાતીય સતામણીનો સામનો કરવો પડયો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તેમાં માત્ર જાતીય અડપલાં, અનિચ્છનીય શારીરિક અને જાતીય સંપર્ક અને અભદ્ર ટિપ્પણીઓ પૂરતું સિમિત ન હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે સેક્રેટરી તેમના અધિકારી હોવાથી તેમની કામકાજની શરતો પર તેમનો સંપૂર્ણ અંકુશ હતો અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને તેમણે સાહિત્ય અકાદમી ખાતે મારી નોકરી અને કારકિર્દીના ગંભીર પરિણામો આવશે એવી ધમકી પણ આપી હતી. આ મહિલા અધિકારી પ્રોબેશન પર કામ કરતાં હતાં અને ૧૫ ફેબ્રુ.૨૦૨૦ના રોજ તેમના પ્રોબેશન પિરીયડનો અંત આવવાનો હતો. દિલ્હી હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલ રિટ અરજીમાં પણ આ મહિલા અધિકારીએ સ્થાનિક ફરિયાદ સમિતિ સમક્ષ કરેલા જાતીય સતામણીના કિસ્સાઓની યાદી રજૂ કરી હતી. સેક્રેટરી વંશીય અને અભદ્ર ટિપ્પણીઓ કરતાં હતા એવો પણ આક્ષેપ કર્યો છે.