(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
મીડિયા અહેવાલો મુજબ અમેરિકાના કાયદા સામે ઈસ્લામિક કાયદાને મહત્ત્વ આપવાના આરોપસર તેમજ મુસ્લિમ હોવાના કારણે પાર્ટીના ઉપપ્રમુખ પદેથી ભારતીય મૂળના ટેકસાસના રિપબ્લિકન નેતા શાહીદ શફીની હકાલપટ્ટી કરાય તેવી શક્યતા છે.
શાહીદ શફીનો જન્મ ભારતમાં થયો હતો અને તેમનો ઉછેર પાકિસ્તાનમાં થયો હતો. અને બાદમાં તબીબી અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા હતા. વર્ષ ર૦૦૯માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા હતા. ત્યારથી તેઓ રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયા હતા.
ટેકસાસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ પાર્ટીના કેટલાક સભ્યોનું માનવું છે કે મુસ્લિમ હોવાના કારણે તેમની હકાલપટ્ટી થવી જોઈએ. આ માટે તેઓ ફોર્મલ મોશન લાવ્યા છે. જેની પર ગુરૂવારે ટેરેન્ટ કાઉન્ટીના રિપબ્લિકન્સ મતદાન કરશે અને કાઉન્ટી રિપબ્લિકનના ઉપપ્રમુખ પદેથી તેમની હકાલપટ્ટી કરવી કે નહીં તે નક્કી કરશે.
શાહીદ શફીએ તમામ આરોપો ફગાવી જણાવ્યું હતું કે મને રાજકીય નિશાન બનાવવા મારા ધર્મનો ઉપયોગ કરાઈ રહ્યો છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.