ભાવનગર,તા.૬
રેલવે કર્મચારીઓનાં વિવિધ પ્રશ્નો અંગે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવે બોર્ડના ચેરમેન શ્રી અશ્વની લોહાનીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આજરોજ શ્રી અશ્વની લોહાની, ચેરમેન રેલવે બોર્ડની ભાવનગર ડિવિઝનની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. દરમ્યાન શ્રી આર.જી.કાબર, સહાયક મહામંત્રી એન.એફ.આઈ.આર., શ્રી ગીરીશ મકવાણા, ડિવિઝનલ ચેરમેન તથા શ્રી બી.એન.ડાભી, ડિવિઝનલ સેક્રેટરીની આગેવાની હેઠળ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું એક ડેલીગેશન રેલ કર્મચારીઓને સ્પર્શતાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલ હતી.
જેમાં એન.એફ.આઈ.આર. દ્વારા રજૂઆતના ફલસ્વરૂપ રેલવે બોર્ડ ટ્રેકમેન કમિટીનું ગઠન કરેલ. આ કમિટીએ ટ્રેકમેન્ટેનરોને જે ગ્રેડ પેમાં પ્રમોશન આપવાની ભલામણ કરેલ પરંતુ રેલ મંત્રાલય દ્વારા આ ભલામણ પૂર્ણરૂપમાં હજુ સુધીમાં સ્વીકારેલ નથી.
રનીંગ સ્ટાફને મળતાં કિલોમીટરેજ એલાઉન્સનાં રેટનું રીવિજન. આ અંગે ચેરમેન રેલવે બોર્ડ સહમતિ પ્રદાન કરી તાત્કાલિક આદેશો જાહેર કરવા ખાતરી આપી હતી. ૧/૧/ર૦૦૪થી નવી પેંશન નીતિમાંથી રેલ કર્મચારીઓને બાકાત રાખવા. ૧/૧/ર૦૧૬ પહેલાં નિવૃત્ત થયેલા રનીંગ સ્ટાફના પેંશન/ફેમિલી પેંશનમાં સુધારો કરવામાં પડતી અગવડતાઓ દૂર કરી તાત્કાલિક પીપીઓ રિવાઈજડ કરવા. વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓને ગ્રુપ ઈન્સેટિવ સ્કીમનો લાભ આપવો વગેરે પ્રશ્નોની સચોટ રજૂઆતનાં ફલસ્વરૂપ ચેરમેન રેલવે બોર્ડ અધિકારીએ યોગ્ય કરવાની ખાતરી આપેલ હોવાનું ડિવિઝનલ સેક્રેટરી બી.એન.ડાભીએ જણાવ્યું છે.