(એજન્સી) મુંબઇ, તા. ૩
બોમ્બે હાઇકોર્ટની એક ડિવીઝન બેંચે જણાવ્યું છે કે દેશ હાલમાં ખરાબ દોરમાંથી પસાર થઇ રહ્યો છે. આ દોરમાં કોઇ વ્યક્તિ સ્વતંત્ર થઇને કશું જ કહી શકતી નથી અને ન તો ફરી શકે છે. જસ્ટિસ એસસી ધર્માધિકારી અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેંચે અંધવિશ્વાસ સામે લડનારા તર્કવાદી નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાન્સરેના પરિવારવાળાઓ દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર ટિપ્પણી કરતા આ વાત કહી છે. બોમ્બે હાઇકોર્ટની બેંચે જણાવ્યું કે આપણે આજે દેશમાં એક ખરાબ દોરના સાક્ષી બની રહ્યા છીએ. દેશના નાગરિકોને લાગે છે કે તેઓ પોતાના અવાજમાં સ્વતંત્ર થઇને અને કોઇ પણ પરેશાની વગર કહી શકતા નથી. બેંચે એવો પ્રશ્ન કર્યો કે શું આપણે એવા દિવસો જોવા જઇ રહ્યા છીએ કે જ્યારે પ્રત્યેક વ્યક્તિને જાહેરમાં બોલવા અને ફરવા માટે પોલીસ સુરક્ષાની જરૂર પડશે ? હાઇકોર્ટની બેંચે જણાવ્યું કે આજે દેશમાં શું થઇ રહ્યું છે ? લોકો આવે છે અને બસોમાં આગ લગાડી દે છે, પથ્થરમારો કરે છે. એવું લાગે છે કે આ બધું મફત છે ? આપણી પ્રાથમિકતાઓ શું છે ? એક દેશ છે અને એક સરકાર છે, આવતીકાલે સરકાર બદલાઇ શકે છે પરંતુ દેશનું શું ? આ કરોડો લોકોનું ઘર છે ? શું પોતાના મનની વાત કહેવા માટે કાલે બધા લોકોને પોલીસ પ્રોટેક્શન લેવું પડશે ? નોંધનીય છે કે બોમ્બે હાઇકોર્ટની બેંચે દાભોલકર અને પાન્સરેની હત્યાના મામલામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તપાસ પર નાખુશી વ્યક્ત કરીને આ વાતો કહી છે. ૨૦૧૩ની ૨૦મી ઓગસ્ટે પુણેમાં મોર્નિંગ વોક પર નીકળેલા નરેન્દ્ર દાભોલકરને ગોળીઓ મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. જ્યારે પાન્સરેને ૨૦૧૫ની ૧૬મી ફેબ્રુઆરીએ કોલ્હાપુરમાં ગોળી મારવામાં આવી હતી, ૪ દિવસ બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાન્સરેના પરિવારવાળાઓએ કોર્ટની દેખરેખ હેઠળ બંનેની હત્યાની નિષ્પક્ષ તપાસ કરાવવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. જોકે, સીબીઆઇ અને મહારાષ્ટ્ર સીઆઇડીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મામલાની તપાસ કરી રહી છે. અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે તપાસ એજન્સીઓ અને મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને આ મામલાઓના રિપોર્ટમાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને પગલે તપાસ એજન્સીઓ અને મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે બુધવારે પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આ રિપોર્ટ અંગે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે તપાસ એજન્સીઓેને પ્રશ્ન કરીને પૂછ્યું કે શું તમે આવી જ રીતે સમાજ સામે થઇ રહેલા અપરાધોની તપાસ કરો છો ?
દેશના માહોલ અંગે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી, કહ્યું : હાલમાં ડરનો ભયાનક દોર છે

Recent Comments