(એજન્સી) બેઇજિંગ, તા. ૧૧
ચીનના શિનજિયાંગમાં ઉગ્રવાદ સામેની લડતના નામે ચીનના સત્તાવાળાઓ દ્વારા હલાલ વસ્તુઓ સામેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રે હલાલ વસ્તુઓ સામે સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. હલાલ વસ્તુઓ સામે પ્રતિબંધ લાદવાનું કારણ આપતા વહીવટીતંત્રે જણાવ્યું કે હલાલ વસ્તુઓથી ખાસ સમુદાયમાં ધાર્મિક કટ્ટરવાદ વધી શકે છે. શિનજિયાંગની રાજધાની ઉરૂમાકીમાં કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આંકડાઓ મુજબ ચીનમાં હાલમાં ૧.૨૦ કરોડથી વધુ મુસ્લિમ રહે છે. અહીં સરકારી અધિકારીઓ માટે જારી કરાયેલા આદેશમાં હલાલ વસ્તુઓ અને હલાલ પ્રક્રિયાઓ સામે સખતાઇથી પ્રતિબંધ લાદવાનું જણાવવામાં આવ્યું છે. સરકારી અધિકારીઓ માટે જારી કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે અધિકારીઓએ જનસમુદાય વચ્ચે વૈચારિક પ્રતિબદ્ધતા મજબૂત કરવાની દિશામાં કામ કરવું પડશે. નોંધનીય છે કે મુસ્લિમો હલાલ માંસનો ઉપયોગ કરે છે. સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા થોડાક સમયથી હલાલ વસ્તુઓના વપરાશમાં વધારો નોંધાયો છે અને તેનાથી ધાર્મિક કટ્ટરતા વધવાની આશંકા છે. નોંધનીય છે કે અગાઉ ચીનમાં મુસ્લિમોના વિચાર પરિવર્તન અને તેમને દેશ ભક્ત બનાવવા માટે બળજબરીથી શૈક્ષણિક કેમ્પમાં મોકલવામાં આવે છે. શિનજિયાંગમાં લઘુમતી મુસ્લિમો પર લગાવવામાં આવેલો સરકારી પ્રતિબંધ કોઇ નવી વાત નથી. રમઝાન મહિનામાં નમાઝ પઢવા માટે ચટાઇ રાખવાના અહેવાલો પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવી ચુક્યા છે.