જામનગર, તા. ર૧
ગઈકાલે કોંગ્રેસે હાલારના બાકીના ઉમેદવારોના નામ જાહેર કરી દેતા હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે અને હાલારની લગભગ તમામ બેઠકો પર રસાકસીભર્યો રસપ્રદ જંગ જોવા મળ્યો. કારણ કે કોંગ્રેસે પણ માસ્ટર ટ્રોક મારીને દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે.
કાલાવડમાં ભાજપના મુળજીભાઈ ધૈયડ સામે કોંગ્રેસના પ્રવિણભાઈ મૂંછડિયાનો મુકાબલો છે. આ અનામત બેઠક પરથી પણ ખરાખરીનો જંગ જામશે તેમ જણાય છે.
જામનગર (ગ્રામ્ય) માં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપમાં ભળેલા રાઘવજીભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઈ ધારવિયા વચ્ચે પણ જોરદાર ફાઈટ થવાના એંધાણ છે. ભાજપમાં ભૂતકાળમાં રહેલા વલ્લભભાઈ ધારવિયાને ભાજપની કાર્યપદ્ધતિનો પણ સારી એવી જાણકારી હશે, તે ઉપરાંત કોંગ્રેસના પરંપરાગત મતો ઉપરાંત જ્ઞાતિ-સમાજની દૃષ્ટિએ પણ કોંગ્રેસને ફાયદો થવાનો છે.
કોંગ્રેસે ભાજપના ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા સામે જામનગર (ઉત્તર) માં જીવણભાઈ કુંભારવડિયાને ટિકિટ આપી છે. કોંગ્રેસે હાલારમાં વિવિધ સમાજોનું સંતુલન બેસાડ્યું છે. જીવણભાઈ પણ સક્ષમ ઉમેદવાર હોવાથી હકુભા જાડેજાની સાથે રસાકસીભરી ફાઈટ થશે તે નક્કી છે.
જામનગર દક્ષિણમાં લોહાણા સમાજના અગ્રણી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પૂર્વ મંત્રી બાબુભાઈ લાલના પુત્રને ગઈકાલે કોંગ્રેસે પ્રવેશ આપ્યો અને તેને ટિકિટ ફાળવી દીધી. આ રણનીતિ પછી જામનગર સિટીમાં ભાજપના આર.સી. ફળદુ અને અશોકભાઈ લાલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. કોંગ્રેસની આ રણનીતિના કારણે ભાજપ માટે કપરાં ચઢાણ જેવી સ્થિતિ ઊભી થઈ છે.
જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર ચિમનભાઈ સાપરિયા સામે કોંગ્રેસે ચિરાગ કાલરિયાને મેદાનમાં ઉતાર્યા છે. પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં લેતા આ બેઠક પર પણ રોમાંચક ચૂંટણી જંગ ખેલાય, તેમ જણાય છે.
કોંગ્રેસે વિક્રમભાઈ માડમ જેવા કદાવર નેતાને ખંભાળિયાની બેઠક પર ભાજપના કારૃભાઈ ચાવડાની સામે ટિકિટ ફાળવીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ બેઠક પર આહિર મતદારોનું પ્રભુત્વ જોતા આહિર વિરૃદ્ધ આહિરનો મુકાબલો થશે અને વિક્રમભાઈ માડમ સબળ ઉમેદવાર પૂરવાર થાય તેમ છે.
દ્વારકામાં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી સમયે આપેલા વચનનું પાલન કરીને મેરામણભાઈ ગોરિયાને ટિકિટ ફાળવી છે. નવા સીમાંકન પછી રાવલ-બારાડી વિસ્તારના આહિર સમાજ સહિતના મતદારોને લક્ષ્યમાં લેતા મેરામણભાઈ ગોરિયા પબુભાની સામે સક્ષમ ઉમેદવાર પૂરવાર થશે તેમ મનાય છે.