નવી દિલ્હી, તા.૧૮
ભારતીય કપ્તાન કોહલી અને પાકિસ્તાનનો ઝડપી બોલર મોહમ્મદ આમિર મેદાનમાં ભલે જબરદસ્ત હરીફ તરીકે ઓળખાતા હોય પણ મેદાનની બહાર આ બન્ને વચ્ચે ખૂબ જ મૈત્રીભર્યા સંબંધ છે. વિરાટે વર્ષ ર૦૧૬ના ટવેન્ટી-ર૦ વર્લ્ડકપ પહેલા મો.આમિરને એક બેટ ગીફટમાં આપ્યું હતું. જો કે કોહલી અને આમિર વચ્ચેની મેદાનની જંગમાં મોટાભાગે ટીમ ઈન્ડિયાનો કપ્તાન ભારે પડ્યો છે પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આમિર કોહલીને આઉટ કરીને પોતાની ટીમના ચેમ્પિયન બનવાનો માર્ગ આસાન કર્યો હતો. હાલમાં જ ટ્‌વીટર પર પ્રશંસક સાથે વાત કરતાં તેણે કોહલીને હાલનો વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન ગણાવ્યો છે. મોહંમદ હમઝા નામના એક પ્રશંસકે આમિરને પૂછયું કે, તમારા અનુસાર હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન કોણ છે ? આમિરનો સીધો જવાબ હતો વિરાટ કોહલી. ભારતીય પ્રશંસકોને આમિરનો આ જવાબ ખૂબ જ પસંદ આવ્યો છે. એક પ્રશંસકે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આમિરભાઈ વિરાટ હાલ સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન અને તમે સર્વશ્રેષ્ઠ બોલર છો.