(એજન્સી)                               તા.૧

હમાસના શરણાર્થી વિભાગે સંયુકત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પેલેસ્ટાઈન-ઈઝરાયેલના જમીની વિસ્તારોના ભાગલા વિશે અને પેલેસ્ટીની લોકો પર આચરવામાં આવતી ક્રૂરતા પર ફરીવાર વિચારણા કરવાનું કહ્યું હતું. ઈઝરાયેલ-પેલેસ્ટીનના ભાગલાને ૬૯ વર્ષ પૂર્ણ થતાં નિવેદનમાં તેમણે જણાવ્યું હતું.

શરણાર્થી વિભાગે સંયુકત રાષ્ટ્ર સમક્ષ માગણી કરી હતી કે વર્ષ ૧૯૪૭માં ઠરાવ દ્વારા કરવામાં આવેલા ભાગલામાં કરવામાં આવેલા અન્યાયને બદલવાની જરૂર છે. પેલેસ્ટીનના લોકો આજ દિવસ સુધી એ ખોટા નિર્ણયને લીધે  મુસીબતો સહન કરી રહ્યાં છે. નિવેદનમાં સંયુકત રાષ્ટ્રને વખોડતા કહ્યું કે પેલેસ્ટીનના લોકોની માલિકીની જમીન ગેરકાયદેસર રીતે યહુદી લોકોને આપી દીધી.

વર્ષ ૧૯૧૭માં બ્રિટનના વિદેશ સચિવ બાલફોરે નિવેદનમાં પેલેસ્ટાઈનની જમીન પર યહુદી રાજ્ય સ્થાપવાની વાત કહી હતી. સંયુકત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે અન્યાયભર્યો ચુકાદો આપી ગુનો કર્યો છે. વર્ષ ૧૯૪૮માં ઝિયોનિસ્ટ લોકોએ પેલેસ્ટાઈનના લોકો પર નરસંહાર સર્જી જમીનનો કેટલોક ભાગ કબજે કરી લીધો હતો. નિવેદનમાં તેમણે અંતમાં જણાવ્યું કે ઠરાવ દ્વારા પાડવામાં આવેલા આ પ્રકારના ભાગલા પેલેસ્ટીનના લોકો વિરૂદ્ધ ષંડયત્ર સમાન છે.