(એજન્સી) તા.૯
એક વર્ષ પૂર્વે પોતાના વિદાય સમારોહ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીઓ અને વિધાનોનો મુદ્દો ઉઠાવતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું હતું કે તેમના વિદાય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું ભાષણ આવા પ્રસંગોએ કરવામાં આવતા ભાષણની સ્થાપિત પ્રણાલિ અને પરંપરાથી ઘણું અલગ હતું.
અંસારીએ આ વિધાનો અને ભારતીય લોકતંત્ર અંગે અન્ય વિધાનો તેમના નવા પુસ્તક ‘ડેર આઇ ક્વેશ્ચન ? રીફ્લેક્શન્સ ઓન કન્ટેમપોરારી ચેલેન્જીસ’માં કર્યા છે. આ પુસ્તક મુખ્યત્વે તેમણે ઉપરાષ્ટ્રપતિ પદના પોતાના અંતિમ વર્ષમાં કરેલા ભાષણો અને લખાણોનો સંગ્રહ છે. આ ઉપરાંત તાજેતરના મહિનાઓમાં કરેલા ભાષણો અને લખાણોનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પુસ્તક હર-આનંદ પબ્લિકેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ પદ તરીકે હામીદ અંસારીની બીજી ટર્મનો ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ આખરી દિવસ હતો. પરંપરા અનુસાર રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યોએ અધ્યક્ષનો આભાર વ્યક્ત કરતું બપોર પહેલાનું સત્ર સમર્પિત કરવામાં આવ્યું હતું. પોતાના વિદાય સમારોહ પર વડાપ્રધાનના વક્તવ્યનો ઉલ્લેખ કરતા અંસારીએ જણાવ્યું છે કે વડાપ્રધાનને ફેરવેલમાં ભાગ લીધો હતો અને મારી સંપૂર્ણ પ્રશંસા કરતી વખતે તેમણે મારા દ્રષ્ટિકોણમાં એક નિશ્ચિત ઝુકાવ અંગે પણ સંકેત આપ્યો હતો.
તેમણે મુસ્લિમ દેશોમાં રાજદ્વારી તરીકે મારા વ્યવસાયિક કાર્યકાળ અને કાર્યકાળ સમાપ્ત થયા બાદ લઘુમતી સંબંધીત પ્રશ્નોની ચર્ચા કરી હતી. રાજ્યસભાના પૂર્વ અધ્યક્ષે જણાવ્યું હતું કે સંભવતઃ આ મેં બેંગ્લોરમાં આપેલા ભાષણના સંદર્ભમાં ઉલ્લેખ કરાયો હતો જેમાં મેં અસુરક્ષાની વધતી જતી આશંકા અંગે જણાવ્યું હતું. સાથે જ પોતાના ટીવી ઇન્ટરવ્યૂમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો કે મુસ્લિમો અને અન્ય કેટલીક ધાર્મિક લઘુમતીઓના મનમાં અસુરક્ષાની લાગણી વધી છે.
હામીદ અંસારીએ પોતાનો કાર્યકાળ સમાપ્ત થયો તે પહેલા આપેલ આખરી મુલાકાતમાં જણાવ્યું હતું કે દેશમાં મુસ્લિમ સમાજમાં બેચેનીની લાગણી પ્રવર્તે છે. તેમની આ મુલાકાતના પગલે ભાજપ દ્વારા અંસારીની સખત ટીકા કરવામાં આવી હતી અને તેમના નિવેદનને તુચ્છ ગણાવ્યા હતા.