(એજન્સી)
નવી દિલ્હી, તા. ૪
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ જણાવ્યું કે ભાજપની સફળતા રાષ્ટ્રીય સ્તર કરતા પ્રાદેશિક અને ક્ષેત્રીય હતી. તેમણે એવું પણ કહ્યું કે કેસરિયા પક્ષની વિચારસરણી વિવિધતા અને સમાવિષ્ટતાના લોકશાહી મૂલ્યોને ડુબાડવા માગે છે. ‘રાઇઝ ઓફ સેફરોન પાવર : રિફ્લેક્શન ઓન ઇન્ડિયન પોલિટિક્સ’ પુસ્તકનું વિમોચન કરતી વખતે પ્રવચન આપતા અન્સારીએ જણાવ્યું કે કેસરિયા પક્ષની વિચારસરણી બહિષ્કાર અને એકરૂપતાની વૈકલ્પિક રૂપરેખામાં વિવિધતા અને સમાવિષ્ટતાના લોકશાહી મૂલ્યોને ડુબાડવા માગે છે. તેમણે એવું પણ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર તેની આર્થિક નીતિઓમાં નિષ્ફળ નીવડી છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલી ફરિયાદોથી આ બાબત સ્પષ્ટ છે. તેમણે પુસ્તકના લેખક મુજીબુર્રહમાનને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું કે સમકાલીન ભારતીય રાજકારણ પર કામગીરી કરનાર કોઇ પણ વ્યક્તિ માટે આ પુસ્તકનું વાંચન આવશ્યક હશે.