(એજન્સી) તા.ર૪
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું છે કે, દેશના લોકોને બાલાકોટ એરસ્ટ્રાઈક પર પ્રશ્ન કરવાનો હક છે. એક ઈન્ટરવ્યુમાં અંસારીએ જણાવ્યું કે, આ સરકારની જવાબદારી છે કે તે આ તમામ પ્રશ્નોનો જવાબ આપે જ્યારે તેમને આ પૂછવામાં આવ્યું કે, શું આ મુદ્દા પર સેના અને સરકારને પ્રશ્ન કરવો દેશ વિરોધી છે તો તેમણે જણાવ્યું કે, નિશ્ચિત રીતે આ દરેક નાગરિકનો અધિકાર છે કે, તે વિદેશનીતિ અને સુરક્ષા મામલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રશ્ન પુછે. ઉલ્લેખનીય છે કે, ર૬ ફેબ્રુઆરીએ બાલાકોટમાં સેનાની એરસ્ટ્રાઈકની અસર અંગે વિપક્ષે સતત સરકારની ટીકા કરી છે. તેમણે આગળ જણાવ્યું કે, હવે દેશની બહાર વિશ્વ સ્તરે એટલા બધા સાક્ષી ઉપલબ્ધ છે કે, તમે સત્યને છૂપવી શકતા નથી. આ પૂછવા પર કે એવી કોઈ ચર્ચા છે કે, ભારતે પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડ્યું નથી તો તેમણે જણાવ્યું કે, જો હું કહી દઉ કે મેં કોઈ વાઘને માર્યો છે તો મારે તે વાઘને બતાવવો પણ પડશે. જો કે, આ દેશ કહી રહ્યો છે કે, તેમણે વિમાન તોડ્યા છે તો ત્યાં બીજો દેશ તને નકારી રહ્યો છે તો જાહેર વાત છે બંનેની વચ્ચે કંઈક તો છે. પુલવામા હુમલા પછી વાયુસેનાએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન તરફથી ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય વાયુસેનાએ તેનો જવાબ આપ્યો હતો. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ આગળ જણાવ્યું કે, ‘દેશમાં વાસ્તવિક મુદ્દાઓને આ તમામ વાતો દ્વારા છૂપાવવામાં આવી રહ્યા છે. જો કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કામની શરૂઆત જોરદાર કરી પરંતુ તેઓ પોતાના વચનોને પુરા કરી શક્યા નહીં તેમના પાંચ વર્ષના કાર્યકાળના કામકાજને માત્ર બરાબર જ કહી શકાય છે.’ તેમણે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા અંગે જણાવ્યું કે, ‘સાધ્વીના ૧૯૯રમાં બાબરી મસ્જિદ વિધ્વંસ અંગે આપેલા નિવેદન પછી આશા છે કે, તેમની વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે જણાવી દઈએ કે, સાધ્વી પ્રજ્ઞાએ ગત દિવસો દરમ્યાન જણાવ્યું હતું કે, તેમણે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરી છે અને તેઓ રામ મંદિર નિર્માણમાં પણ મદદ કરશે. સાધ્વી ભોપાલ લોકસભા બેઠકથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહની વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં છે.