(એજન્સી) નવી દિલ્હી,તા.ર૮
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ વર્તમાન કેન્દ્ર સરકાર પર નિશાન કેન્દ્રીત કરતા કહ્યું કે નવા વૈજ્ઞાનિકો ટાઈમ મશીન બનાવવાના પ્રયત્નમાં લાગ્યા છે. જેથી તે પાછા ભૂતકાળમાં જઈ ઈતિહાસ બદલી શકે. જોકે આવું થઈ શકતું નથી. કારણ કે દુનિયામાં ઈતિહાસ બદલવાના પ્રયત્નો ક્યારેય સફળ થયા નથી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એ.ગોપન્ના દ્વારા સંકલિત પુસ્તક ‘જવાહરલાલ નહેરૂ : એન ઈલ્સ્ટ્રેટેડ બાયોગ્રાફી’ના વિમોચન અવસરે વાત કરતાં અન્સારીએ કહ્યું કે, વર્ષો પૂર્વે એચ.જી.વેલ્સે એક પુસ્તક ‘ધ ટાઈમ મશીન’ લખ્યું હતું. જેમાં પરિકલ્પના કરવામાં આવી હતી કે એક એવો આવિષ્કાર થશે જેનાથી ભૂતકાળમાં જઈ શકાય. આ પુસ્તકને ઘણી સફળતા મળી પરંતુ આજે આપણે એક અલગ પ્રકારના આવિષ્કારને જોઈ રહ્યા છીએ. એવું ટાઈમ મશીન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેનાથી ઈતિહાસને ફરી લખી શકાય. કાર્યક્રમનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હાજર હતા. અન્સારીએ કહ્યું કે, ઈતિહાસ ઈતિહાસ છે. તમે તેમાંથી શીખ લઈ શકો છો. પ્રેરણા લઈ શકો છો અથવા તો તેનો અભ્યાસ કરી શકોે છો. પરંતુ તેને બદલી નથી શકતા.