હેમિલ્ટન, તા.૧૪
ભારતીય ક્રિકેટ ટીમની પાસે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આગામી ૨ મેચોની ટેસ્ટ સીરિઝ પહેલા એકમાત્ર ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં તૈયારીઓને પરખવાનો મોકો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ ઈલેવન વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ આખી ટીમ પહેલી ઈનિંગમાં ૨૬૩ રન પર જ ઓલઆઉટ થઈ ગઈ.
ભારત તરફથી હનુમા વિહારી ૧૮૨ બોલ પર ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૦૧ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો, જ્યારે ટીમ ઈન્ડિયાની નવી વોલ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાએ ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૯૩ રન બનાવ્યા હતા.યુવા ઓપનર પૃથ્વી શૉ મેચની પહેલી ઓવરની ચોથી જ બોલ પર સ્કૉટ કુગેલિનનો શિકાર થઈ ગયો. ઈજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવેલો યુવા શુભમન ગિલ પણ પહેલી ઈનિંગમાં ફ્લોપ રહ્યો. ગિલના રૂપમાં કુગેલિને પોતાનો બીજો શિકાર કર્યો અને ગિલ પણ પોતાનું ખાતું ખોલવામાં અસફળ રહ્યો.
ભારત તરફથી હનુમા વિહારી અને ચેતેશ્વર પૂજારા બાદ અજિંક્ય રહાણે એકમાત્ર એવો બેટ્‌સમેન રહ્યો, જેણે બે અંકનો સ્કોર બનાવ્યો. ૮ બેટ્‌સમેન બે આંકડાના સ્કોર સુધી પણ ના પહોંચી શક્યા.
હનુમા વિહારી અને ચેતેશ્વર પૂજારાએ પાંચમી વિકેટ માટે ૧૯૫ રનની ભાગીદારી કરી. એક સમયે ભારતીય ટીમ ૩૮ રન પર પોતાની ૪ વિકેટ ગૂમાવી ચુકી હતી.