(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તમામ તૈયારીઓ આજે પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. મુખ્ય ઉજવણીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના કેબીનેટના પ્રધાનો રહેશે. આ ખાસ આયોજનમાં દર વર્ષની જેમ દુનિયાના કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી અચૂક હાજર રહેતા હોય છે, ત્યારે આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા માટે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા રાજધાની દિલ્હી પહોંચી ચૂક્યા છે.
૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી ખાતે ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા ખાસ પરેડ યોજવામાં આવશે. સાથે-સાથે દેશના અલગ-અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા ટેબલો પણ આ સમારોહ દરમિયાન રાજઘાટ પરથી પસાર થવાના છે.
પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ત્રાસવાદી હુમલાની દહેશતના કારણે દિલ્હી પોલીસના ૨,૫૦,૦૦૦ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. પોલીસે સુત્રોના કહેવા ૪૯,૦૦૦ કુલ સુરક્ષા જવાનો પૈકી અર્લશ્કરી દળના ૧૫,૦૦૦ અને દિલ્હી પોલીસના ૨૫,૦૦૦ જવાનો ગોઠવાશે. આવતીકાલે સવારે પાંચ વાગ્યાની તમામની તૈનાતી કરી દેવામાં આવનાર છે. સેન્ટ્રલ, નોર્થ અને નવી દિલ્હી ડ્રિસ્ટ્રીક્ટમાં ૨૦,૦૦૦ જવાનો રહેશે. વિજય ચોકથી શરૂ કરીને રાસસિના હિલ ટોપ સુધી પરેડ રૂટ પર નજર રાખવા માટે આશરે ૧૫,૦૦૦ સીસીટીવી રહેશે. પરેડ સવારે ૯ઃ૫૦ વાગે શરૂ કરાશે. પરેડ ૯૦ મિનિટ સુધી ચાલનાર છે. રાજપથના ત્રણ કિલોમીટર લાંબા પટ્ટાને પરેડના મુખ્ય સ્થળ તરીકે જોવામાં આવે છે. અહી ૨૫૦ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવનાર છે. દરેક ૧૮ મીટરે એક કેમેરા ગોઠવી દેવામાં આવનાર છે.
રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિત દેશના તમામ રાજ્યોમાં ઉજવણીને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.