નવી દિલ્હી, તા.૧૯
ભારતના અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે, ભારતે પુલવામા આતંકવાદી હુમલા બાદ આગામી વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. હરભજને કહ્યું કે, જો ભારત ૧૬મી જૂન મેનચેસ્ટરમાં પાકિસ્તાન સાથેની મેચ નહીં રમે તો પણ ભારતીય ટીમ એટલી મજબૂત છે કે તેઓ વર્લ્ડ કપ જીતી શકે છે.
હરભજન સિંહે એક ખાનગી મીડિયા એજન્સીને ઈન્ટરવ્યૂ આપતા આ વાત કહી હતી. હરભજને કહ્યું કે,‘ભારતે વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે મેચ ન રમવી હોઈએ. ભારતીય ટીમ એટલી મજબૂત છે કે, પાકિસ્તાન સાથે મેચ રમવા વગર પણ જીતી શકે છે.’ તેમને કહ્યું કે,‘આ દેશ માટે એક કઠિન સમય છે જ્યારે દેશના જવાનો પર આતંકી હુમલો થયો છે. આ અવિશ્વસનીય છે અને ખૂબજ દુઃખદ છે. સરકાર આની સામે જરૂરથી વળતો પ્રહાર કરશે અને જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો મને નથી લાગતું કે આપણે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ, અન્યથા એવું ચાલતું જ રહેશે.’
વધુ ઉમેરતા હરભજને કહ્યું કે,‘આપણે દેશની સાથે ઊભા રહેવું જોઈએ. ક્રિકેટ, હોકી અને કોઇ પણ રમતમાં તેમની સાથે રમવું નહીં જોઈએ.’ નોંધનીય છે કે, હરભજનના નિવેદન પહેલા પણ કેટલાક ક્રિકેટર્સ અને ખેલ જગતની હસ્તીઓએ સીઆરપીએફ જવાનો પર પુલવામામાં થયેલ આતંકી હુમલા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને આને એક કાયરતાપૂર્ણ ઘટના ગણાવી છે.