મુંબઇ, તા.૨૦
ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે પિન્ક બોલ ટેસ્ટથી મેચ જોવા આવતા દર્શકોની સંખ્યામાં ઝડપથી વધારે થશે નહીં. તેણે ઓથોરિટીઝને કહ્યું હતું કે, વધુ ફેન્સને સ્ટેડિયમમાં લાવવા માટે મેચ નાના શહેરોમાં રમાઈ તે જરૂરી છે. ભારત અને બાંગ્લાદેશ ૨૨ નવેમ્બરે ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમવાર ડે-નાઈટ ટેસ્ટ રમશે. બંને દેશ પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર પિન્ક બોલથી રમશે. હરભજને કહ્યું કે, મોસ્ટલી બધી ટીમો ડે-નાઈટ ટેસ્ટ રમી ચૂકી છે, આ એક સારો અખતરો છે. પરંતુ મને નથી લાગતું કે આ ફોર્મેટ દર્શકોને ફરીથી સ્ટેડિયમ સુધી લાવશે.હરભજને કહ્યું કે, મને નથી લાગતું કે દર્શક પિન્ક બોલ જોવા ગ્રાઉન્ડમાં આવશે. નાના શહેરોમાં મેચને લઇ જવી જ્યાં લોકોએ પોતાના હીરોને નથી જોયા, તે વિકલ્પ મને વધુ સારો લાગે છે. મોહાલીની જગ્યાએ અમૃતસર મેચ રમવામાં આવે તો કોઈપણ ફોર્મેટ કે કોઈપણ બોલથી ભલેને રમાતી હોય, પબ્લિક મેચ જોવા આવશે જ. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, બે મજબૂત ટીમો રમી રહી હોય તો જ લોકોને મજા આવે છે. તેને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. તેમજ સૌથી પહેલા સ્ટેડિયમમાં લોકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું નથી, તેના એસોસિયેશને કામ કરવું જોઈએ.