અમદાવાદ, તા.રપ
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને લાલજી પટેલને જેલમાં ધકેલી દેવા માટે ભાજપ સરકારે રણનીતિ ઘડી કાઢી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ઉત્તર ગુજરાતના વિસનગરમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે નોંધાયેલા ગુનામાં બિનજામીન લાયક વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ વોરંટ ઈસ્યુ થવાના લીધે પોલીસ ગમે ત્યારે હાર્દિક અને લાલજીની ધરપકડ કરી શકે છે.
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિસનગરમાં ભાજપાના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી. જેમાં કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદમાં નોંધાયેલા એવા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને લાલજી પટેલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. ત્યારે વિસનગર કોર્ટે આજે બંને પાટીદાર નેતાઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. એટલે બંને નેતાઓની ગમે ત્યારે ધરપકડ થઈ શકે તેમ છે.
જો કે પાટીદાર અનામત આંદોલનને ઠાણે પાડવા સરકાર દ્વારા અનેક પ્રયાસો છતાંય આંદોલનકારીઓ ભાજપ સરકારની સામે સતત વિરોધ નોંધાવી રહ્યા છે. તેમજ તાજેતરમાં પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ દ્વારા ભાજપ આંદોલનકારીઓને ખરીદથી હોવાનો ભાંડો ફોડ્યો હતો. ત્રબાદ રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલની મીટિંગ થઈ હોવાના સીસીટીવી બહાર આવ્યા બાદ દબાણમાં આવી ગયેલી સરકારે હાર્દિક પટેલને ફરી જેલમાં મોકલી આપવાનો પ્લાન ઘડી કાઢ્યો હોય તેમ હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરૂદ્ધના જૂના કેસમાં ચોપડા ફેંકીને સરકારે તેમની વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરાવવા તજવીજ હાથ ધરી હોય તેવું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે. આ અંગે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં અમારી સાથે રાજકારણ રમાઈ રહ્યું છે. અમને કોર્ટ ઉપર ભરોસો છે. એટલું જ નહીં સમાજ માટે જેલમાં જવું પડે તો પણ અમે તૈયાર છીએ.