(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ બુધવારે કહ્યું કે હાર્દિક-કોંગ્રેસ ગઠબંધન પારસ્પરિક દગાબાજી સમાન છે, તેઓ એકબીજાને તથા મતદાતાઓની સાથે દગાબાજી કરી રહ્યાં છે. જેટલીએ કહ્યું કે ૫૦ ટકાની અનામત મર્યાદાનું ઉલ્લંઘન ન થઈ શકે. મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હાર્દિક-કોંગ્રેસ ગઠબંધન પારસ્પરિક દગાબાજી છે. કાયદો બહુ સ્પષ્ટ છે અને તે સુપ્રીમ કોર્ટ પણ મર્યાદા નક્કી કરી રાખી છે. ગત અઠવાડિયે ભારપૂર્વક કહેવામાં આવ્યું કે ૫૦ ટકાની અનામત મર્યાદાનું કોઈ પણ રીતે ભંગ ન થવો જોઈએ. ૫૦ ટકાની અનામત મર્યાદાની સીમાનું ઉલ્લંઘન કરવા માટે કોઈ રૂપરેખા ઘડી કાઢવામાં આવશે તેવું કહીને તેઓ એકબીજાને પણ મતદાતાઓ સાથે રમત રમી રહ્યાં છે. પાટીદાર લીડર હાર્દિક પટેલે ભારે કશ્મકશ બાદ કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. જો કે હાર્દિકે કહ્યુ હતુ કે તેઓ કોઇ પાર્ટીમાં સામેલ થનાર નથી. હાર્દિકે જાહેરાત કરી હતી કે, વિધાનસભા ચૂંટણીમાં તેની લડાઈ ભાજપ સાથે જેથી પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે કોંગ્રેસને સમર્થન આપશે. પાસના સંયોજક હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસે અમારી તમામ માંગો સ્વીકારી લીધી છે. જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો અમારી તમામ માંગોને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરશે. કોંગ્રેસે અમારી પટેલ અનામતની માંગને સ્વીકારી છે. પાર્ટીએ વચન આપ્યું છે કે, તે વિધાનસભામાં બિનઅનામત સમુદાય માટે બિલ રજૂ કરશે. હાર્દિકે કહ્યું હતું કે, કેટલાક રાજ્યોમાં અનામતની મર્યાદાને ૪૯ ટકાથી વધુ કરવાને લઇને કોર્ટે પ્રતિબંધ મુકી દીધો છે. આવી સ્થિતિમાં કોઇપણ પ્રકારના બ્રેકથી બચવા માટે કોંગ્રેસ સરકાર બનતાની સાથે જ બિલ લાવશે. તેમણે ઉમેર્યું હતું કે, અનામતની ૪૯ ટકાની મર્યાદાને પાર કરવાની બાબત શક્ય છે અને કેટલાક રાજ્યોમાં આવું થયું પણ છે. કોંગ્રેસે પટેલ સમુદાયને ઓબીસીની જેમ જ અનામત આપવા માટે સંમત થઇ ગઇ છે.