હિંમતનગર, તા.૪
હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે આવેલ સિરામીક ફેકટરી નજીક તાજેતરમાં એક બિહારી શ્રમિકે ૧૪ માસની બાળકી પર કરેલા દુષ્કર્મ બાદ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે ગુરૂવારે પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલે ઢુંઢર ગામની મુલાકાત લઈને બનાવનું સ્થળ, સિરામીક ફેક્ટરીમાં થયેલ નુકસાન અંગે જાત માહિતી મેળવીને નિર્ભયાના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ અંગેની વિગત એવી છે કે, ઢુંઢર ગામે બનેલ દુઃખદ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરોએ ઢુંઢર ગામની મુલાકાત લઈને પીડિતાના પરિવારજનોને મળી સાત્વના પાઠવ્યા બાદ આર્થિક સહાયનો ધોધ વરસાવ્યો છે, ત્યારે ગુરૂવારે પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલે મોંઘીદાટ કારમાં આવીને સૌપ્રથમ આવીને સૌ પ્રથમ જ્યાં દુષ્કર્મ કરાયું હતું તે સ્થળની મુલાકાત લીધી હતી અને જે સિરામીક ફેક્ટરીમાં તોડફોડ થઈ હતી તેની બહારથી મુલાકાત લીધી હતી. ત્યારબાદ હાર્દિકે અન્ય અંદાજે ૧૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિમાં પીડિતાના પરિવારના નિવાસસ્થાને જઈ સાત્વના પાઠવી હતી અને ગુનેગારને સખ્ત સજા થાય તેવો મત વ્યક્ત કર્યો હતો. તેની આ મુલાકાતમાં સાબરકાંઠાના કોંગ્રેસના અગ્રણીઓ તથા પાસના કાર્યકરો હાજર રહ્યા હતા.