(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૩
સરદાર પટેલના વતન કરમસદ ખાતે ગઈકાલે પાસના કન્વિનર હાર્દિક પટેલે મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કર્યા હતા. જેને લઈને હાર્દિક પટેલનો હાથ અડતા સરદાર પટેલની પ્રતિમા અપવિત્ર થઈ હોવાની લાગણી સાથે આજે આણંદના સાંસદ દિલીપ પટેલ અને ભાજપના કાઉન્સિલરોએ સરદાર પટેલની પ્રતિમા ગંગાજળ અને દૂધથી ધોઈને પવિત્ર કરી હતી અને હાર્દિક પટેલે સરદારના ગામમાં આવી સરદારની ગૃહની મુલાકાત નહીં લઈ સરદારનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. સરદાર પટેલના વતન કરમસદ ખાતે માટી કૌભાંડના વિરોધમાં સાત દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરેલા કોંગ્રેસના કાઉન્સિલરોની મુલાકાતે ગઈકાલે પાસના કન્વિનર હાર્દિક પટેલ આવ્યા હતા અને તેઓએ ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા અને ત્યારબાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સરદાર પટેલની પ્રતિમાને હાર્દિક પટેલ દ્વારા હાથ અડાડવાના કારણે સરદારની પ્રતિમા અપવિત્ર થઈ હોવાની લાગણી સાથે આજે બપોરે આણંદના સાંસદ દિલીપ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરોએ સરદાર પટેલની પ્રતિમા પર દૂધ અને ગંગાજળનો અભિષેક કરી દૂધ અને ગંગાજળ દ્વારા પ્રતિમાને ધોઈને પવિત્ર કરી હતી. આ અંગે સાંસદ દિલીપ પટેલે કહ્યું હતું કે, હાર્દિક પટેલ દ્વારા સરદારની પ્રતિમાને હાથ અડાવી સરદાર જેવા દિગ્ગજ અને લોખંડી પુરૂષની પ્રતિમાને અપવિત્ર કરી છે. જેને લઈને આજે દૂધ અને ગંગાજળથી પ્રતિમાને ધોઈ પવિત્ર કરવામાં આવી હતી તેમજ સમાજમાં ભાગલા પડાવવાનો દુષ્કૃત્ય આચરતા હાર્દિક પટેલે સરદાર પટેલના નામે પોતાની રાજકીય રોટલી સેકી છે. પરંતુ સરદારના વતનમાં આવી હાર્દિક પટેલે સરદાર પટેલ ગૃહની મુલાકાત નહીં લઈ સરદારનું અપમાન કર્યું છે.