અમદાવાદ, તા.૬
ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માગ સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિકને ૧૩ દિવસ થયા છતાંય સરકાર તરફથી કોઈ વાટાઘાટો માટે તૈયારી દર્શાવાઈ નથી ત્યારે બુધવારે જ હાર્દિકે સરકારને ર૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે સરકાર વાત કરવા તૈયારી દર્શાવશે નહીં તો જળત્યાગ કરશે. ત્યારે સરકાર તરફથી કોઈ વાતચીત માટે તૈયારી દર્શાવવામાં આવી નહીં એટલે ગુરૂવારે સાંજથી સરકાર વાતચીત કરે નહીં ત્યાં સુધી હાર્દિકે જળત્યાગ કર્યો હતો.
હાર્દિકના ઉપવાસના ૧૩માં દિવસે સાંજે હાર્દિક વતી પાસના સભ્ય મનોજ પનારાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, ર૪ કલાકના અલ્ટીમેટમ પછી પણ સરકારે અમારી માગને ધ્યાનમાં લીધી નથી. ગુજરાત સરકાર પાસે ખેડૂતો અને લોકો માટે વાત કરવાનો સમય નથી. સરકારને ખેડૂતોની ચિંતા જ નથી. આ સરકારને તાયફા કરવા લોકોમાં ભ્રમ ફેલાવવા માટે ઘણો સમય છે પરંતુ ગુજરાતના કરોડો ખેડૂતો અને પાટીદારો માટે સરકારને સમય જ નથી. એવું ર૪ કલાક બાદ લાગી રહ્યું છે. એટલે ગુજરાત સરકાર વાતચીત કરવા માટે તૈયાર નથી. એટલે હાર્દિકે આપેલા અલ્ટીમેટમને ર૪ કલાક પૂરા થયા. એટલે જ્યાં સુધી સરકાર વાતચીત નહીં કરે ત્યાં સુધી હાર્દિકે જળત્યાગ કર્યો છે. વધુમાં મનોજ પનારાએ જણાવ્યું હતું કે ખેડૂતો અને પાટીદારોએ ખોબા ભરીને મત આપ્યા એટલે જ આજે દેશમાં ભાજપનું રાજ છે. જો યુપીમાં ખેડૂતોના દેવા માફી થાય તો ગુજરાતમાં કેમ નહીં ? ખેડૂતોના દેવા માફ કરવા એ સરકાર માટે સહેલી વાત છે. વધુમાં સમાધાન મુદ્દે પનારાએ જણાવ્યું હતું કે, અમારા મુદ્દાઓ મામલો કોઈ પણ આવે તો વેલકમ. પરંતુ ખોડલધામના નરેશ પટેલ મધ્યસ્થી કરે તે આવકાર્ય છે. જો કે તેમની સાથે સમાધાન મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. નરેશભાઈ આવશે તો સુખદ અંત આવશે. જો સરકાર હાર્દિકને હોસ્પિટલમાં દાખલ કરવા માગે તો તેની સાથે પાસના કાર્યકરોને રાખવા જરૂરી છે. અમારો ડોક્ટર પણ સાથે રાખવો જરૂરી છે. તેમજ હાર્દિકને સારવાર અપાય ત્યારે મીડિયાને હાજર રખાય. એમ મનોજ પનારાએ જણાવ્યું હતું.