અમદાવાદ, તા.૩૧
હાર્દિક પટેલના ઉપવાસને સાતમા દિવસે તેની તબિયત લથડી છે. ગુરૂવારથી હાર્દિકે અન્નની સાથે જળનો ત્યાગ કર્યો છે. જેને લઈને શુક્રવારે હાર્દિકની તબિયત વધુ લથડી હતી. જેથી તેના સમર્થકોએ હાર્દિકને પાણી પીવા માટે અપીલ કરી હતી. તદઉપરાંત હાર્દિકની મુલાકાતે આવેલા કોંગી નેતા અર્જુન મોઢવાડિયા અને કનુ કલસરિયા તથા ગીરગઢડાના એસ.પી. સ્વામીએ પણ હાર્દિકને પાણી પીવા માટે અપીલ કરી હતી પરંતુ હાર્દિક મક્કમ રહીને પાણી પીવાની ના પાડી હતી. હાર્દિકે ઉપવાસ આંદોલનને લઈને ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફી અને અનામતને લઈને અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલાં હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા ? એમ કહીને હાર્દિકે ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા કોંગ્રેસ વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ હાર્દિકની ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મોઢવાડિયાએ ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે આતંકીઓ સાથે વાતચીત થતી હોય તો હાર્દિક સાથે કેમ નહીં ? ભાજપ સરકાર અહંકાર છોડી હાર્દિક સાથે સંવાદ કરે. હાર્દિક પટેલને પણ ઉપવાસ આંદોલનમાં પાણી પીવાની વિનંતી કરી હતી. જો કે હાર્દિકે તે માન્ય રાખી ન હતી. અર્જુન મોઢવાડિયાએ સરકાર પર નિશાન તાકતા કહ્યું કે નવાઝ શરીફના આમંત્રણ વગર વડાપ્રધાન મોદી ચર્ચા માટે જાય. અનેક જૂથો સાથે ચર્ચા કરે ત્યારે હાર્દિક પટેલ સાથે પણ સંવાદ કરવો જોઈએ. હાર્દિક લોકોના પ્રશ્નોને વાચા આપે છે. તો ગુજરાતનો યુવાન છે. ત્યારે ઉપવાસથી તેની હલત કથળી રહી છે તેવામાં અહંકાર છોડીને હાર્દિક સાથે ચર્ચા કરવી જોઈએ. આ સિવાય મહારાષ્ટ્ર અને હરિયાણા સરકાર અનામત આપવાની તૈયારી દર્શાવે છે. પરંતુ ગુજરાતમાં અહિંસક આંદોલન હોવાથી સરકાર અનામત શક્ય ન હોવાની વાત કરે છે. તેવો પણ આરોપ મોઢવાડિયાએ લગાવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ નેતા તેમજ ખેડૂત આગેવાન કનુભાઈ કળસરિયા હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. કનુભાઈએ કહ્યું કે, “ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતો માટે લડતા લોકોને સરકારે સાંભળવા જોઈએ. હાર્દિક અન્નજળનો ત્યાગ કરીને નિસ્વાર્થ ભાવે લડત લડી રહ્યો છે. હાર્દિક પ્રત્યે લાગણી હોવાથી લોકો અહીં આવી રહ્યા છે પરંતુ તેમને રોકવામાં આવી રહ્યા છે. લોકશાહી માટે આ બરાબર નથી. હાર્દિકને જોઈને હું ભાવુક થઈ ગયો હતો. મેં પણ બે વખત ઉપવાસ કરેલા છે એટલે સારી રીતે જાણું છું કે આ ખરેખર કેટલું મુશ્કેલ છે. સુપ્રીમની ટકોર હોવા છતાં સરકારના કાન બહેરા છે. સરકારને કંઈ સારું સુઝે તે માટે પ્રાર્થના કરીએ છીએ. હાર્દિકને મળવા ગીરગઢડાના એસપી સ્વામી પહોંચ્યા હતા. તેમણે હાર્દિક સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે હાર્દિકે પાણીનો ત્યાગ કર્યો. તેનાથી તેનું સ્વાસ્થ્ય બગડ્યું છે. સવારે તેને ચક્કર આવતા હતા. હાર્દિકને મળીને પાણી પીવા માટે વિનંતી કરી હતી. તેમના સમર્થકો પણ હાર્દિક પાણી પીવે તેવું ઈચ્છે છે. ત્યારે હાર્દિકે મને આવતી કાલ સુધી વિચારીને પાણી પીવા મુદ્દે જવાબ આપવાનું કહ્યું છે. જે રીતે સંઘર્ષ ચાલે છે. તે માટે સરકારે પણ વાટાઘાટોથી વાત પુરી કરવી જોઈએ. જો કે હાર્દિક એસપી સ્વામીને મળીને રડી પડ્યો હતો. જેને હાર્દિકનું કહેવું હતું કે તેના કારણે બધાને હેરાન થવું પડે છે એટલે તે રડ્યો હતો એમ એસપી સ્વામીએ જણાવ્યું હતું. જો કે હાર્દિકે જળ ત્યાગ કરતા જ તેની તબિયત વધુ લથડી હતી. ત્યારે હાર્દિકના સ્વાસ્થ્ય માટે કોંગ્રેસના નેતાઓએ વેષ્ણોદેવી સ્થિત હનુમાન મંદિર ખાતે રામધૂન બોલાવી હાર્દિકનું સ્વાસ્થ્ય સારૂં રહે તેવી પ્રાર્થના કરી હતી.