(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી, શિક્ષણનો વ્યાપાર બંધ કરવા સહિતની માગણી સામે આમરણાત ઉપવાસ પર ઉતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસના ૧૧માં દિવસે ભાજપના બે પૂર્વ દિગ્ગજ નેતાઓ શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહાએ મુલાકાત લઈ વિવિધ મુદ્દે હાર્દિક સાથે ચર્ચા કરી હતી. હાર્દિક સાથે મુલાકાત બાદ ભાજપના આ બંને નેતાઓએ પત્રકારોને સંબોધન કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં યશવંત સિંહાએ જણાવ્યું કે, હાર્દિકના જે મુદ્દા છે તે અમારા પણ મુદ્દા છે. તે તેમના મુદ્દે લડાઈ ચાલુ રાખે. અમને આશા છે કે, સરકાર હાર્દિક પટેલ સાથે વાટાઘાટો કરે. હાર્દિકના અનામતના મુદ્દાને અમે સમર્થન આપતા નથી, પરંતુ ખેડૂતોના મુદ્દે હાર્દિકને જરૂર સમર્થન આપીએ છીએ. જે લોકો અનામતથી બહાર છે, તેના મુદ્દે કેન્દ્ર સરકારે વિચાર કરવાની જરૂર છે. સરકારે આર્થિક, શૈક્ષણિક અને બંધારણની જે કોઈ જોગવાઈ છે, તેને અનુલક્ષીને જે સમુદાય પછાત છે તેને આગળ વધારવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેમણે સરકાર સામે બળાપો કાઢતા વધુમાં જણાવ્યું હતું કે ભાજપના જ કેટલાક નેતાઓ સરકારથી નારાજ છે. આ સરકાર ખેડૂત વિરોધી છે હાર્દિકના અને અમારા મુદ્દાઓ સમાન હોવાથી હાર્દિકના મુદ્દાઓને દેશવ્યાપી બનાવવામાં આવશે.
શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું કે, આ કોઈ કોંગ્રેસ પ્રેરિત ઉપવાસ આંદોલન નથી. મને જે દેખાઈ રહ્યું છે તે સર્વદલ પ્રેરિત આંદોલન છે. હાર્દિક એક બેમિસાલ યુવાશક્તી છે. તે આપણું ધન છે. આવું યુવાધન બચાવવું એ આપણા સમાજની ફરજ બને છે. ભારતીય જનતા પાર્ટીની અનેક રાજ્યોમાં સરકાર છે. અનેક રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે, પરંતુ ગુજરાતમાં શા માટે તેઓ ખેડૂતોનું દેવું માફ કરતા નથી. હાર્દિકને સમગ્ર દેશમાં સમર્થન મળી રહ્યું છે. અમારી સરકારને અપીલ છે કે, આ ૫૧ ટકા કરતાં પણ વધુ ખેડૂતવર્ગ દેશમાં છે, પરંતુ તેમનું આર્થિક આઉટપુટ માત્ર ૧૭ ટકા છે. હાર્દિકે જે પગલું લીધું છે તે સરાહનીય છે. અમે તેનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. અમારી સરકારને વિનમ્ર પ્રાર્થના છે કે વ્યક્તિ કરતાં મોટી પાર્ટી હોય છે અને પાર્ટી કરતાં મોટો દેશ હોય છે. અમે કોઈ વ્યક્તિ કે પાર્ટી માટે વાત કરતા નથી. અમે માત્ર દેશ માટે વાત કરી રહ્યા છીએ આ મુદ્દાઓને વહેલી તકે ઉકેલવા જોઈએ. સરકારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવી જોઈએ. પાટીદાર એક સંપન્ન સમુદાય છે. દેશ-વિદેશમાં તેઓ ફેલાયેલા છે, તેમ છતાં તેમના સમાજના ૯૦ ટકા લોકો આમ આદમીની જેમ સંઘર્ષ કરી રહ્યા છે. અમે માનવતાના ધોરણે હાર્દિકને મળવા આવ્યા છીએ.

પેટ્રોલની વધતી કિંમતો સામે વિપક્ષ માર્ગો પર કેમ નથી ઉતરતો, શેની રાહ જુઓ છો ? : યશવંત સિંહા

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે કેન્દ્રની મોદી સરકાર પર ચારે તરફથી હુમલા થઇ રહ્યા છે ત્યારે પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ વિપક્ષી દળોને સવાલ કર્યો છે કે, આખરે તેઓ માર્ગો પર કેમ નથી ઉતરી રહ્યા. સરકારની આર્થિક નીતિઓના સખત વિરોધી રહેલા યશવંત સિંહાએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતો સતત વધી રહી છે, આ કિંમતો દરરોજ નવી ઊંચાઇ વટાવી રહી છે, વિપક્ષી પાર્ટીઓ માર્ગો પર કેમ નથી ઉતરી રહી, તેઓ હવે શેની રાહ જુએ છે ? યશવંત સિંહા મોદી સરકાર પર સતત આર્થિક મોરચે નિષ્ફળ રહેવાનો આરોપ લગાવી રહ્યા છે. આ પહેલાં ૩૧ ઓગસ્ટના રોજ યશવંત સિંહાએ ટિ્‌વટમાં કહ્યું હતું કે, આ દેશમાં બધુ જ ઉપર જઇ રહ્યું છે. ‘‘ફેન્ટાસ્ટીક, બધું જ ઉપર જઇ રહ્યું છે. જીડીપી, રૂપિયાના મુકાબલે ડોલર, બેંક એનપીએ, પેટ્રોલ અને ડીઝલની કિંમતો.’’ કેટલાક મહિના પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપી ચુકેલા યશવંત સિંહા નરેન્દ્ર મોદી સરકારના કટ્ટર ટીકાકાર બની ગયા છે. પૂર્વ નેતાની આ ટીપ્પણીઓ દેશભરમાં પહેલાથી જ અભૂતપૂર્વ સ્તરે પેટ્રોલ ડીઝલની કિંમતો હોવા છતાં મંગળવારે સતત ૧૦મા દિવસે વધ્યા બાદ આવી હતી. દિલ્હીમાં રવિવારે પેટ્રોલની કિંમત ૭૮.૮૪ પ્રતિલિટરે પહોંચી હતી અને હવે તે વધીને ૭૯.૧૫ રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગઇ છે. મંગળવારે પેટ્રોલની કિંમતોમાં ૧૬ પૈસા અને ડીઝલની કિંમતોમાં ૧૯ પૈસાનો વધારો થયો હતો જ્યારે રાજ્યોના ટેક્સ તેનામાં જોડવામાં આવે તો આ ભાવવધારો વધી જાય છે.