અમદાવાદ,તા.૯
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાનું આયોજન કર્યું છે. ત્યારે હાર્દિકના આંદોલનને અટકાવવા સરકારે તખ્તો ઘડી કાઢયો છે. ત્યારે હાર્દિકના ઉપવાસ આંદોલનને અટકાવવા સરકાર કાયદાકીય સલાહ લઈ રહી છે અને તેના આમરણાંત ઉપવાસને આત્મહત્યાના પ્રયાસમાં ખપાવીને હાર્દિકને જેલમાં ધકેલવાની તૈયારી કરી દેવાઈ છે. તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પાટીદારોને અનામત આપવાના મુદ્દે રૂા.રપ ઓગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાત સરકારે આ આંદોલનને લઈ પ્લાન ઘડી કાઢયો છે. રાજય સરકાર હાર્દિકના આમરણાંત ઉપવાસને અટકાવવા જઈ રહી છે. તેને માટે સરકાર કાયદાકીય સલાહ પણ લઈ રહી છે. જો કે રાજય સરકાર હાર્દિકના આમરણાંત ઉપવાસની જાહેરાતને એટેમ્પ ટૂ સુસાઈડ એટલે આત્મહત્યાનો પ્રયાસ ગણાવી શકે છે. જે મુજબ હાર્દિક પટેલ સામે ૩૦૯ કલમ મુજબ ગુનો નોંધાઈ શકે છે. આ ગુના હેઠળ ૧ વર્ષની સજા અને આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે. તેમજ હાર્દિકની કયારે ધરપકડ કરવી તે અંગે રાજય સરકાર કેન્દ્રીય મોવડી મંડળનું માર્ગદર્શન લઈ રહ્યું છે જો કે હાર્દિક આમરણાંત ઉપવાસ આંદોલન કરે તો પાટીદાર આંદોલનમાં નવા પ્રાણ ફુંકાય શકે છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજયમાં કોઈપણ જાતનું આંદોલન થાય તો તેની સીધી અસર ચૂંટણીમાં પડી શકે છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં કોઈ આંદોલન ના નડે તે માટે સરકારે અત્યારથી જ કમરકસી લીધી છે. તેમજ હાર્દિકે કરેલી આમરણાંત ઉપવાસની જાહેરાતને પગલે સરકારે પણ તેના આંદોલનને અટકાવવા પ્લાન ઘડી કાઢયો છે.